થપ્પડ કાંડના પડઘા : કલોલ ભાજપમાં ભડકો : ચેરમેન સહિત ૧૨ના રાજીનામા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
થપ્પડ કાંડના પડઘા : કલોલ ભાજપમાં ભડકો : ચેરમેન સહિત ૧૨ના રાજીનામા 1 - image


ધારાસભ્ય અને નગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો વચ્ચે મોટો ખટરાગ

પાલિકામાં ભાજપના જ કાર્યકરોની તોડફોડ અને મારામારી બાદ પક્ષે કોઈ પગલા નહીં ભરતા નારાજ સભ્યોએ પગલું ભર્યું

કલોલ :  ભાજપ શાસિત કલોલ નગરપાલિકામાં સર્જાયેલા થપ્પડકાંડના પડઘા હવે પડયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મહિલા કોર્પોરેટરના પતિ ઉપર થયેલા હુમલાબાદ ભાજપમાં ભડકો થઈ ગયો હતો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તેમના સમર્થનમાં ૧૧ કોર્પોરેટરોએ રાજીનામાં ધરી દીધા હતા. જેના પગલે ભાજપમાં ધારાસભ્ય અને પાલિકાના પદાધિકારીઓ કોર્પોરેટરો વચ્ચે અંદરો અંદરની ખેંચતાણ બહાર આવી ગઈ છે.

આ બાબતે મળતી માહિતી અનુસાર કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વિકાસના કામો હાથ ધરવામાં આવનાર હતા.જે અંગે ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી અને નીચા ભાવો આવ્યા હતા તેના ટેન્ડર મંજૂર થયા હતા અને કામ શરૃ થવાનું હતું ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવેલા ટેન્ડરનું રિટેન્ડરિંગ માંગવામાં આવ્યું હતું. જેના પગલે ભાજપના કાર્યકરો સહિત નાગરિકોનું ટોળું નગરપાલિકામાં દોડી આવ્યું હતું અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસમાં બધઙાટી બોલાવી હતી. ઉસકેરાયેલા ટોળાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરઘડે અને ચેમ્બરમાં હાજર મહિલા કોર્પોરેટરના પતિ ઉપર હુમલો કરીને લાફા વાળી કરી દીધી હતી. જેથી નગરપાલિકામાં ભારે હોબાળો મચી ગયો હતો ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા હુમલો કરનાર તત્વોમાં ધારાસભ્યના માણસો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તેઓ ફરિયાદ કરવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેમના સમર્થનમાં કેટલાક કોર્પોરેટરો પણ આવી ચડયા હતા અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી પણ કોઈ કારણોસર તેઓએ પોલીસ ફરિયાદ કરી ન હતી ત્યારબાદના ઘટનાક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રાજીનામું આપી દીધું હતું અને તેમના સમર્થનમાં કેટલાક કોર્પોરેટરો પણ આવી ગયા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના સમર્થનમાં ૧૧ કોર્પોરેટરોએ રાજીનામાં આપી દીધા હતા. જેના પગલે હવે ભાજપમાં ભડકો થયો છે અને આગામી સમયમાં આ ભડકો અનેક લોકોને દજાડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને વધુ રાજીનામાં પડશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું ત્યારે અંદરો અંદરની ખેંચતાણ અને જૂથવાદ વચ્ચે ભાજપમાં શરૃ થયેલો કકડાટ હવે ક્યારે શમે છે અને ભાજપ સંગઠન તેને ઠારવા શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.

રાજીનામું આપનાર કોર્પોરેટરો

(૧) ઉષાબેન દિનેશભાઈ રાવળ વોર્ડ નંબર-૪

(૨) મુકુંદ જશવંતલાલ પરીખ વોર્ડ નંબર-૪

(૩) કિંજલબેન રીલેષભાઈ પરમાર વોર્ડ -૩

(૪) નિખિલભાઇ બંસીલાલ બારોટ વોર્ડ નંબર-૫

(૫) જલ્પાબેન ધર્મેન્દ્રભાઈ શાહ વોર્ડ -૫

(૬)હિમાક્સી બેન સોલંકી વોર્ડ -૧૧

(૭) પટેલ અલ્પાબેન ભાવેશકુમાર વોર્ડ -૯

(૮)  રમીલાબેન ભગવાનદાસ પટેલ વોર્ડ -૧

(૯) શૈલેન્દ્રસિંહ વાઘેલા વોર્ડ - ૧

(૧૦) લક્ષ્મીબેન ભૂતડીયા વોર્ડ - ૧

(૧૧) રાઠોડ વિરેન્દ્ર સિંહ વોર્ડ - ૩

આગામી સમયમાં વધુ રાજીનામાં પડે તેવી શક્યતા

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર થયેલા હુમલાબાદ તેઓએ રાજીનામું આપ્યું છે અને તેમના સમર્થનમાં ૧૧ કોર્પોરેટરોએ રાજીનામાં આપ્યા છે એક મુલાકાતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, હજુ પણ કેટલાક લોકો રાજીનામમાં આપવા તૈયાર છે અને આગામી સમયમાં સાતથી આઠ કોર્પોરેટરો તેમના સમર્થનમાં રાજીનામાં આપશે અને શહેર સંગઠનમાંથી પણ રાજીનામાં પડશે. આ સ્થિતિમાં આવે કલોલ ભાજપમાં ભડકો હાલની સ્થિતિએ શાંત થાય તેવું લાગતું નથી. 


Google NewsGoogle News