ગુજકેટનું પેપર ગત વર્ષ કરતાં એકંદરે સરળ અને પાઠય પુસ્તક આધારિત
વડોદરાઃ ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની આજે ગુજકેટ પરીક્ષા લેવામાં આવી હતી.વડોદરાના ૪૩ કેન્દ્રો પર ૮૬૫૨ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી અને આ પૈકી ૪૧૯૭ વિદ્યાર્થીઓ બી ગુ્રપના અને ૪૪૭૫ વિદ્યાર્થીઓ એ ગુ્રપના હતા.
ગુજકેટની પરીક્ષાનુ પેપર એકંદરે સરળ અને પાઠય પુસ્તક આધારિત હોવાનો મત વિષય નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો.તેમના કહેવા પ્રમાણે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને મેથ્સ એમ ચારે વિભાગના પ્રશ્નો પાઠય પુસ્તક આધારિત હતા અને જેમણે સમગ્ર વર્ષ દરમિયાન પાઠય પુસ્તકનો અભ્યાસ કર્યો હશે તેમને કોઈ તકલીફ પડી નહી હોય.દરેક વિભાગમાં ચાર થી પાંચ પ્રશ્નો વિચાર માંગી લે તેવા હતા પણ હોશિયાર વિદ્યાર્થીઓને તો આ પ્રશ્નો સોલ્વ કરવામાં પણ વાંધો નહીં આવ્યો હોય.એકદંરે પાછલા કેટલાક વર્ષોની સરખામણીએ આજનુ પેપર સરળ હતુ.પાઠય પુસ્તકના આધારે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકશે.
ફિઝિક્સમાં પ્રશ્નો સીધા જ પાઠય પુસ્તકમાંથી લેવાયા હત.૧૮ પ્રશ્નોમાં કોઈ ગણતરીની જરુર નહોતી અને ૧૮ પ્રશ્નો ગણતરીના આધારે આસાનીથી જવાબ આપી શકાય તેવા હતા.બાયોલોજીમાં સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થી પણ ૪૦માંથી ૩૦ માર્ક આસાનીથી મેળવી શકશે અને હોશિયાર વિદ્યાર્થીઓ ૩૫ કરતા વધારે માર્કસ પ્રાપ્ત કરી શકશે.
વિષય શિક્ષકના કહેવા અનુસાર કેમેસ્ટ્રીના પેપરમાં ૩ પ્રશ્નો કસોટી કરે તેવા હતા.જેમણે હેતુલક્ષી પ્રશ્નોની પ્રેક્ટિસ કરી હશે તેવા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડી હોય.મેથ્સનુ પેપર પણ સરળ હતુ.માત્ર એક માર્કના પ્રશ્નમાં ભૂલ હતી.આ પ્રશ્ન માટે અપાયેલા ચારે ઓપ્શન ખોટા હોવાથી વિદ્યાર્થીઓને એક માર્કનુ નુકસાન થઈ શકે છે.જેના પર બોર્ડે વિચારણા કરવી જોઈએ.