Get The App

પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ઇ-કેવાયસીની કામગીરી શિક્ષકોને નહીં સોપવા માગ

શિક્ષકો બિનશૈક્ષણિક કામગીરીઓમાં વ્યસ્ત રહેશે તો વિદ્યાર્થીઓને ભણાવશે ક્યારે : માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ઇ-કેવાયસીની કામગીરી શિક્ષકોને નહીં સોપવા માગ 1 - image


વડોદરા : શૈક્ષણિક કાર્ય ઉપરાંત બિન શૈક્ષણિક કાર્યો અને વહિવટી કાર્યોના ભાર તળે કામ કરી રહેલા શિક્ષકોને સરકારે વધુ એક જવાબદારી સોંપી છે. પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીઓના ઇ-કેવાયસીની કામગીરી પણ શિક્ષકો માથે નાખી દેવામાં આવી છે, ત્યારે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળે સરકારને રજૂઆત કરી છે કે વધુ પડતી કામગીરીથી શિક્ષકો હવે માનસિક તણાવ અનુભવી રહ્યા છે જેથી ઇ-કેવાયસીની કામગીરીથી શિક્ષકોને સોંપવામાં ના આવે.

રાજ્યની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રિ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યુ છે. પરંતુ આ ઇ-કેવાયસીની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. શાળા કક્ષાએ હાલની પરિસ્થિતિ મુંજબ શાળામાં પૂરતું મહેકમ નથી. રાજ્યની મોટાભાગની શાળામાં વહીવટી કર્મચારીઓ નથી. શાળાકક્ષાએ વહીવટી કાર્ય પણ શિક્ષકો દ્વારા જ થાય છે. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક તમામ કાર્યો શિક્ષકો જ કરે છે. આવી અનેક બિન શૈક્ષણિક કામગીરીઓમાં શિક્ષકો વ્યસ્ત રહેશે તો વિદ્યાર્થીઓને ભણાવશે ક્યારે ? શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાં જોતરી દેવામાં આવતા હોવાથી તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પડી રહી છે.

હાલ ડિજિટલ ગુજરાતમાં ઓનલાઇન શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ આવે છે. ખૂબ જ સમય વ્યતિત થાય છે. શાળાઓમાં અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓ જેમ કે વિજ્ઞાાન મેળો, કલા મહોત્સવની સાથે સાથે નેશનલ એજ્યુકેશન પ્રોગ્રામ અનુસંધાને શિક્ષકોના વિષય અનુસાર તાલીમ વર્ગો, સ્વચ્છતા પખવાડીયા કામગીરીમાં પણ શિક્ષકો વ્યસ્ત રહે છે.ઉપરાંત હવે એકમ કસોટી અને તેનું મૂલ્યાંકન, સત્રાંત પરીક્ષા જેવી કામગીરી આવશે. અભ્યાસક્રમ પણ પૂરો કરવાની જવાબદારી છે. આવી અનેક કામગીરીમાં શિક્ષક સતત વ્યસ્ત રહેતો હોવાથી વર્ગખંડથી વિમુખ થઇ રહ્યો છે. શિક્ષકો ઉપર વધુ પડતી કામગીરીનું ભારણ વધી રહ્યું છે જેના કારણે માનસિક તાણ વધી રહ્યું છે અને તેની અસર બાળકોના શિક્ષણ ઉપર થશે. આ તમામ મુદ્દાઓને ગંભીરતાથી ધ્યાનમાં લઇને શિક્ષકોને શિષ્યવૃત્તિ માટે ઇ-કેવાયસીની કામગીરીમાંથી મુક્ત કરવા માગ છે.


Google NewsGoogle News