ચૂંટણી માટે ઓફિસો હવે ધમધમતી થશે લોકસભા ચૂંટણી માટે નવી જગ્યાઓ ઉપર સ્ટાફની કરાયેલી બદલી

૨૮ નાયબ મામલતદારો તેમજ ૧૬ કારકૂનોની ચૂંટણી માટે ખાસ કિસ્સામાં બદલીના આદેશો

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
ચૂંટણી માટે ઓફિસો હવે ધમધમતી થશે  લોકસભા ચૂંટણી માટે નવી જગ્યાઓ ઉપર સ્ટાફની કરાયેલી બદલી 1 - image

વડોદરા, તા.16 લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૃ કરી દેવામાં આવી છે. મતદાર સંબંધી પ્રક્રિયા બાદ હવે ચૂંટણીમાં મહત્વની કામગીરી કરવા માટે ખાસ ઊભી કરવામાં આવેલી જગ્યાઓમાં સ્ટાફની પણ નિમણૂંક કરાઇ છે. ચૂંટણી માટે નાયબ મામલતદારો અને કારકૂનોના ઓર્ડર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે માર્ચ માસમાં લોકસભા ચૂંટણીની જાહેરાતની શક્યતાઓ છે. આવતીકાલે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે દરેક જિલ્લાના ચૂંટણી અધિકારીઓ સાથે પણ ચૂંટણીની તૈયારી સંબંધે બેઠક યોજાવાની છે. આ બેઠક પૂવે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે ચૂંટણીશાખાની મુખ્ય કચેરી તેમજ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીઓની ઓફિસોમાં  ચૂંટણી પૂરતી ઊભી કરવામાં આવેલી નવી જગ્યાઓ પર પોસ્ટિંગ કરવાના હોવાથી તમામ જગ્યાઓ બદલીથી ભરી દેવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે  જિલ્લામાં કુલ ૨૮ નાયબ મામલતદારો તેમજ ૧૬ કારકૂનોની એકસાથે ચૂંટણીની કામગીરી માટે બદલીના આદેશો કરવામાં આવ્યા હતાં. આ આદેશમાં તમામ કર્મચારીઓએ તાત્કાલિક ચૂંટણીની કામગીરી માટે નવા  સ્થળે હાજર થઇ જવાનું પણ સૂચવ્યું છે. ઉલ્લેખનીય છે કે કલેક્ટરના પીએ તરીકે મામલતદાર ઉત્તરના નાયબ મામલતદારનું પોસ્ટિંગ સિંગલ ઓર્ડરથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચાર નાયબ મામલતદારોના પણ ઓર્ડરો એક સ્થળેથી બીજા સ્થળ માટે કરાયા છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે એક સ્થળે ત્રણ વર્ષ જેટલાં સમયથી ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓની બદલીને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.




Google NewsGoogle News