વડોદરાના પૌરાણિક દત્ત મંદિરોમાં દત્ત જયંતિની ઉત્સાહભેર ઉજવણી
વડોદરા,તા.26 ડિસેમ્બર 2023,મંગળવાર
દત્ત જયંતિ નિમિત્તે આજે શહેરના વિવિધ મંદિરોમાં પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. શહેરના કિર્તિ મંદિર, સયાજીગંજ, સુરસાગર, ભુતડીઝાપા સ્થિત વિવિધ મંદિરોમાં ધામધૂમથી દત્ત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આરતી, પાદુકા પૂજન, તેમજ ભજન, કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. બાપોદ રંગ વાટિકા ખાતે સમી સાંજે પાદુકા પૂજન ભજન અને કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરસાગર પાસેના આળેકરના 125 વર્ષ જૂના દત્ત મંદિરમાં પણ આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આળેકરના દત્ત મંદિરમાં દત્ત ભગવાનની મૂર્તિ ઉત્તરાભિમુખ હોઇ સફેદ આરસપહાણની છે. આ સાથે ગાય અને શ્વાન પણ છે. આત્મા સંખચક્ર, ડમરું કમળ, કમંડળ અને ત્રિશુલ છે. સવાસો વર્ષ પહેલાં હાલ જ્યાં સુરસાગર તળાવ છે ત્યાં ઔદુંબરનું ઝાડ હતું. તળાવ બનાવવા માટે આ ઝાડ પાડવામાં આવ્યું હતું અને જેમાંથી સ્વયંભૂ દત્ત ગુરુની મૂર્તિ પ્રગટ થઈ હોવાની લોકવાયકા છે.
કીર્તિ મંદિર સયાજીગંજ અને ભૂતડીઝાંપા પાસે પોલીસ લાઈનમાં આવેલ દત્ત ભગવાનના મંદિરે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.