ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને છેલ્લા એક વર્ષ દરમિયાન રૃા. ૧૦.૧૯ કરોડનો
૮.૫૧ કરોડના દંડની વસુલાત હજી બાકી
વડોદરા,ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને છેલ્લા એક વર્ષ દરમિયાન રૃા. ૧૦.૧૯ કરોડનો દંડ ઇ - ચલણ મારફતે કરવામાં આવ્યો છે. જોકે, માત્ર ૧.૬૭ કરોડના દંડની જ વસૂલાત થઇ છે. જ્યારે ૮.૫૧ કરોડના દંડની વસુલાત હજી બાકી છે.
શહેરમાં વાહન ચાલકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિયમોનો ભંગ કેટલાક વાહન ચાલકો દ્વારા કરવામાં આવે છે. આવા વાહન ચાલકો સાથે જાહેર માર્ગ પર ઘર્ષણ ના થાય તે માટે શહેરમાં રાજમાર્ગો પર ૧,૬૦૦ જેટલા સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાના આધારે ઇ - ચલણ જનરેટ થતા હોય છે. છેલ્લા એક વર્ષ દરમિયાન સીસીટીવી થકી કુલ ૧,૬૪,૮૬૦ ઇ - ચલણ જનરેટ થયા હતા. જે પૈકી મોટાભાગના વાહન માલિકોએ દંડની ચૂકવણી કરી નથી. ઇ - ચલણના દંડની ગણતરી કરીએ તો કુલ ૧૦.૧૯ કરોડ રૃપિયા થાય છે.
જે પૈકી માત્ર ૧.૬૭ કરોડ રૃપિયાનો દંડ વસૂલ થયો છે. જ્યારે ૮.૫૧ કરોડનો દંડ વસૂલવાનો બાકી છે. દંડની વસૂલાત માટે ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે ડ્રાઇવ રાખવામાં આવે છે. તેમજ લોક અદાલત સમયે પણ ઇ - ચલણની વસૂલાત માટે વ્યવસ્થા કરવામાં આવે છે. વાહન ચાલકો ઓનલાઇન ઘરે બેઠા પણ દંડની રકમ ભરી શકે છે કે પછી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પણ જઇને રૃપિયા ચૂકવી શકે છે. તેમછતાંય વાહન ચાલકો દંડ ચૂકવતા નથી.
ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, જે વાહન ચાલકો ઇ - ચલણ ઇશ્યૂ થયાના ૯૦ દિવસ સુધી દંડ ભરપાઇ નહીં કરે તેવા કેસ વર્ચ્યુઅલી કોર્ટમાં ટ્રાન્સફર થઇ જશે. વર્ચ્યુઅલી કોર્ટમાં પણ ૬૦ દિવસ સુધી વાહન માલિકો દંડ ભરપાઇ નહીં કરે તો તેવા કેસ ફિઝિકલ કોર્ટમાં જશે. કોર્ટમાંથી નોટિસ ઇશ્યૂ થયા પછી વાહન માલિકોને કોર્ટમાં જવું પડશે.
ડૂપ્લિકેટ ઓઇલના કારણે પ્રદૂષણ ફેલાવતા ૮૬ વાહન ચાલકો સામે કાર્યવાહી
વડોદરા, શહેરમાં દોડતી રિક્ષાઓ પૈકી કેટલીક રિક્ષાઓ સફેદ ધુમાડા કાઢતી હોય છે. જેના કારણે પ્રદૂષણ ફેલાય છે. સફેદ ધુમાડા પાછળનું કારણ સસ્તુ અને ડૂપ્લિકેટ ઓઇલ જવાબદાર છે. શહેરના કેટલાક પેટ્રોલપંપની બહાર જ ડૂપ્લિકેટ ઓઇલવાળા અડિંગો જમાવી દેતા હોય છે. આવા ઓઇલ વેચનાર લોકો સામે કોઇ કડક કાર્યવાહી થતી નથી. જેના કારણે પ્રદૂષણ વધુ ફેલાય છે.
છેલ્લા એક વર્ષમાં વધુ પડતા ધુમાડા કાઢતા ૧૧૫ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વધુ પડતા ધુમાડા કાઢતા વાહન ચાલકો પાસેથી પોલીસે કુલ રૃપિયા રૃપિયા ૨૩ હજારનો દંડ વસૂલ કર્યો છે.
નો પાર્કિંગમાં વાહન મૂકનાર ૬,૧૩૯ વાહન ચાલકોને દંડ
વડોદરા, શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાવા પાછળનું મુખ્ય એક કારણ આડેધડ થતું વાહનોનું પાર્કિંગ પણ છે. જાહેર માર્ગ પર પાર્કિંગ માટે ઓડ - ઇવન ફોર્મ્યૂલા લાગુ કરવામાં આવી છે. તેમછતાંય કેટલાક વાહન ચાલકો મનફાવે ત્યાં પોતાના વાહનો પાર્ક કરતા હોય છે. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઇંગ કરવા માટે શહેરમાં ક્રેન ફરતી હોય છે. છેલ્લા એક વર્ષમાં નો પાર્કિંગમાં વાહનો મૂકનાર ૬,૧૩૯ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વાહન ચાલકો પાસેથી પોલીસે ૩૧.૦૬ લાખ રૃપિયાનો દંડ વસૂલ કર્યો છે. જ્યારે સિગ્નલ તોડનાર તથા રોંગ સાઇડ વાહન ચલાવનાર ૪૧૬ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી ૩.૧૦ લાખ રૃપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે