કારેલીબાગમાં ડુપ્લિકેટ પોલીસે સિનિયર સિટિઝન મહિલાની 6 તોલાની બંગડીઓ કાઢી લીધી
વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે ગઇસવારે એક સિનિયર સિટિઝન મહિલાને પોલીસના સ્વાંગમાં અટકાવી ત્રણ ગઠિયા છ તોલા વજનની બંગડીઓ ઉતારી ફરાર થઇ ગયા હતા.
મેન્ટલ હોસ્પિટલ સામે વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન ઘનશ્યામભાઇ પંચાલે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે હું ચાલવા માટે નીકળી હતી અને શાક લઇપરત ફરતી હતી ત્યારે મુક્તાનંદ સર્કલ અંબા વ્હાઇટ હાઉસ પાસે એક છોકરાએ મને પેલા સાહેબ બોલાવે છે તેમ કહ્યું હતું.
દાઢી ધારી સાહેબે મને કહ્યું હતું કે,ગભરાશો નહિં હું પોલીસનો માણસ છું. ચેન પહેરશો નહિં,અહીં લૂંટફાટ થાય છે.જેથી મહિલાએ મેં કાંઇ પહેર્યું નથી તેમ કહી ચાલવા માંડયું હતું.પરંતુ ત્રણેય ગઠિયા પાછળ ગયા હતા અને કોર્નર પાસે ફરી મને રોકી હતી.
આ વખતે એક ગઠિયાએ બીજા ગઠિયા પાસે તેની ચેન કઢાવી હતી.ત્યારબાદ મારી પાસે પણ બંગડીઓ કઢાવી થેલીમાં મુકવાનો ડોળ કર્યો હતો.હું ગભરાઇ ગઇહતી અને આગળ જઇ બંગડી પહેરવા માટે કાઢવા ગઇ તો ગાયબ હતી.લૂંટારાઓ પૈકી એક સફેદ દાઢી વાળો હતો અને બીજા બે જણાએ ટોપી પહેરેલી હતી અને મોંડે રૃમાલ જેવું બાંધેલ હતુ.કારેલીબાગ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.