દારૃની રેડ કરવા ગયેલી નકલી પોલીસના ત્રણ શખ્સો ઝડપાયા
નકલી રેડ ચાલતી હતી ત્યારે જ અસલી પોલીસ પહોંચી ઃ વડોદરાના ત્રણે યુવાનોનો ગુનાઇત ઇતિહાસ
વડોદરા, તા.1 શિનોર તાલુકાના મોટાકરાળા ગામે નકલી પોલીસ બનીને દારૃની રેડ કરી પૈસા પડાવવા ગયેલા વડોદરાના ત્રણ શખ્સો ઇકો ગાડી સાથે ઝડપાઇ ગયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે મોટાકરાળા ગામમાં ઇકો ગાડીમાં ત્રણ શખ્સો બેસીને દારૃની રેડ કરવા માટે ગયા છે તેવી માહિતી પોલીસને મળી હતી. શિનોર પોલીસ કોઇ ઇકો ગાડી રાખતી નથી જેથી તપાસ હાથ ધરી હતી. પોલીસની એક ટીમે ગામમાં રામદેવપીર મંદિરવાળા ફળિયામાં જઇને તપાસ કરતાં એક ઇકો ગાડી પડી હતી અને ગાડીની સામેના મકાનમાં ત્રણ શખ્સો જણાયા હતાં.
પોલીસના માણસોએ ઘરમાં જઇને તેના માલિક અશોક રમેશભાઇ વસાવાની પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે ઘરમાં દારૃની રેડ પડી છે અને સાહેબો ઘરમાં તપાસ કરે છે. દરમિયાન ઘરમાં હાજર ત્રણે શખ્સો પાસેથી પોલીસે તેઓ પોલીસ છે કે નહી તે અંગેનું આઇકાર્ડ માંગતા ત્રણે પાસે કોઇ કાર્ડ નહી હોવાનું અને પોતે પોલીસ પણ નહી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ત્રણેની ધરપકડ કરી તેઓની વિરુધ્ધમાં ગુનો દાખલ કર્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ત્રણે શખ્સો પોઇચા સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે ગયા હતા અને પૈસા ખુટી જતાં ગામમાં આવીને પૈસા મળે તો લેવા આવ્યા હતાં.
પોલીસે જયેશ રમેશ રાજમલ (રહે.ક્રિષ્ણા હોટલની બાજુમાં, કપુરાઇ ચોકડી), વિક્રમ લક્ષ્મણ વસાવા (રહે.સોમાતળાવ ગેસગોડાઉન પાછળ, ડભોઇરોડ) અને નિલેશ પ્રકાશરાવ દેવરે (રહે.કપુરાઇગામ)ની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેના પોલીસ રેકર્ડ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે જયેશ સામે બગોદરા, પાણીગેટ અને વરણામા પોલીસ સ્ટેશન, વિક્રમ સામે ડભોઇ અને બાપોદ તેમજ નિલેશ સામે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા છે.