બોડેલીમાં સિંચાઇ વિભાગની બોગસ કચેરીનો પર્દાફાશ ઃ બેની ધરપકડ

બોગસ સરકારી કચેરી બે વર્ષથી ધમધમતી હતી ઃ રૃા.૪.૧૫ કરોડના કૌભાંડમાં ઝડપાયેલા વડોદરાના બેને રિમાન્ડ

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
બોડેલીમાં સિંચાઇ વિભાગની બોગસ કચેરીનો પર્દાફાશ ઃ બેની ધરપકડ 1 - image

છોટાઉદેપુર/નસવાડી તા.૨૭ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બોડેલી-નસવાડીરોડ પર મોડાસર ચોકડી પાસે પેટ્રોલપંપ પાછળ કાર્યપાલક ઇજનેર, સિંચાઇ પ્રોજેક્ટ, બોડેલી નામની બોગસ સરકારી કચેરી બનાવી પ્રાયોજના વહીવટદારની કચેરીમાં બે વર્ષથી દરખાસ્તો કરી ભ્રષ્ટાચારીઓએ રૃા.૪.૧૫ કરોડની ગ્રાન્ટ સરકારી કચેરીમાંથી મેળવી હોવાનો પર્દાફાશ થયો છે. બોગસ સરકારી કચેરી દ્વારા પત્રવ્યવહાર, દરખાસ્તો પણ થતી હતી અને તેને મંજૂરી પણ મળી જતી હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં પોલીસે વડોદરાના બે શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.

છોટાઉદેપુર ખાતે ડીનસેગ પ્રોજેક્ટ અંતર્ગત ઉદવહન સિંચાઇ યોજનાની મિટિંગ તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર પ્રેક્ષા ગોસ્વામી, સિંચાઇ પ્રોજેક્ટ ડીવીઝન-૨ના કાર્યપાલક ઇજનેર ધવલ કે. પટેલ, પ્રોજેક્ટ મેનેજર વિમલ ડામોર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં બોર્ડર વિલેજ યોજનાની ઉદવહન સિંચાઇ યોજનાના ૧૨ કામોની દરખાસ્તો આવી હતી. આ કામો અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી જેમાં કાર્યપાલક ઇજનેર સિંચાઇ પ્રોજેક્ટ ડીવીઝન-૨ને પૂછતાં આ અંગે કોઇ દરખાસ્ત તેમની કચેરી દ્વારા મોકલવામાં આવી નથી અને તેની કોઇ કચેરી પણ બોડેલી ખાતે નથી તેમ જણાવ્યું હતું.

આદિવાસી જિલ્લામાં બોગસ સરકારી કચેરી ધમધમતી  હોવાનું બહાર આવતાં જ સરકારી અધિકારીઓ ચોંકી ગયા હતા અને નવનિયુક્ત આઇએએસ અધિકારી સચિનકુમારે તાત્કાલિક આવી કેટલી દરખાસ્તો આવી છે તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તપાસમાં વર્ષ ૨૦૨૧-૨૨થી આજદિન સુધી લાખો રૃપિયાની કુલ છ દરખાસ્તો આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ઊંડી તપાસ દરમિયાન બોડેલી ખાતે કાર્યપાલક ઇજનેરશ્રી, સિંચાઇ પ્રોજેક્ટ, બોડેલી નામની કચેરી બનાવી, આ કચેરીના અધિકારીના નામના ખોટા સહિ-સિક્કા બનાવી તેના આધારે ખોટી દરખાસ્તો રજૂ કરીને પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી સરકારી ગ્રાન્ટો મેળવી હતી તેમ જાણવા મળ્યું  હતું.

તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે બે વર્ષમાં કુલ ૯૩ કામોના ૨૨ ચેકોથી અલગ અલગ તારીખોમાં કુલ રૃા.૪.૧૫ કરોડની સરકારી ગ્રાન્ટ મેળવી મોટું કૌભાંડ કર્યું હતું. આ અંગે આઇએએસ અધિકારીની સૂચનાથી પ્રાયોજના વહીવટદાર કચેરીના  જૂનિયર ક્લાર્ક જાવિદ ઇબ્રાહિમ માકણોજીયાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સૌપ્રથમ બોગસ સરકારી કચેરીના કૌભાંડમાં સંદિપ રમેશભાઇ રાજપૂત (રહે.ન્યાશા સ્કાયદલ, છાણી તળાવની સામે, વડોદરા) અને અબુબકર જાકીરઅલી સૈયદ (રહે.મુદ્દા કોમ્પ્લેક્સ, ઇલોરાપાર્ક)ની ધરપકડ કરી હતી. પોલીસે બંનેની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી ૧૨ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.




Google NewsGoogle News