નકલી સિંચાઇ કચેરીના કૌભાંડની તપાસ માટે સીટની રચના કૌભાંડના પૈસા જમા થયા તે બંને ભેજાબાજોના બેંક એકાઉન્ટ ખાલી

બંનેના બેંક એકાઉન્ટોમાંથી નાણાં ક્યાં ક્યાં ટ્રાન્સફર થયા અને મોબાઇલ કોલ ડિટેલના આધારે પણ તપાસ

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
નકલી સિંચાઇ કચેરીના કૌભાંડની તપાસ માટે સીટની રચના  કૌભાંડના પૈસા જમા થયા તે બંને ભેજાબાજોના બેંક એકાઉન્ટ ખાલી 1 - image

બોડેલી તા.૩૦ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે નકલી સરકારી કચેરીના ચકચારભર્યા કૌભાંડની તપાસ કરવા છોટાઉદેપુર એસપીની અધ્યક્ષતા હેઠળ સીટની રચના કરવામાં આવી છે. બંને ભેજાબાજોના બેંક એકાઉન્ટ પોલીસે તપાસતા ખાલી જણાયા  હતાં.

સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીમાં બનાવટી સરકારી કચેરી સિંચાઇ વિભાગ બનાવીને છોટાઉદેપુરની પ્રાયોજના વહીવટદાર કચેરીમાં દરખાસ્તો મોકલી રૃા.૪.૧૫ કરોડની ગ્રાંટ મેળવી હતી. બોગસ સરકારી કચેરીએ સરકારને મોટી રકમનો ચૂનો ચોપડયો હોવાનો પર્દાફાશ થયા બાદ છોટાઉદેપુર પોલીસે ગુનો દાખલ કરી બે મહાઠગ અબુબકર સૈયદ અને સંદિપ રાજપુતની ધરપકડ કરી ૧૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે બંને ભેજાબાજોના વડોદરા ખાતેના ઘર અને ઓફિસમાં પણ દરોડા પાડી દસ્તાવેજો તેમજ કોમ્પ્યૂટર સહિતના સાધનો કબજે કર્યા છે.

આ કૌભાંડમાં અન્ય કોની કોની સંડોવણી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ બંને આરોપીની વોટ્સએપ હિસ્ટ્રી ચેક કરવામાં આવી રહી છે. આ કૌભાંડની તપાસમાં જિલ્લા એસપીની અધ્યક્ષતા હેઠળ સીટની રચના કરવામાં આવી છે. પ્રાયોજના કામ હેઠળ મંજૂર કરાવેલ કામોના નાણાં બંનેના ખાતામાં જમા થયા છે પરંતુ હાલ બંને ભેજાબાજોના બેન્ક એકાઉન્ટ ખાલી છે તેમાં કોઈ નાણાં નથી. પોલીસે બેન્ક એકાઉન્ટ માહિતી મેળવીને ક્યાં ક્યાં બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા છે તેની તપાસ ચાલુ છે. બંને ભેજાબાજોના મોબાઇલની કોલ ડિટેલ મેળવી ભેજાબાજો સાથે કોની કોની વાતો થતી  હતી તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.




Google NewsGoogle News