નકલી સિંચાઇ કચેરીના કૌભાંડમાં વધુ બે સરકારી અધિકારી ઝડપાયા
રાજપીપળામાં ફરજ બજાવતા દિનેશ ચૌધરી અને સુરતમાં ફરજ બજાવતા મયુર પટેલની ધરપકડ બાદ પૂછપરછ
નસવાડી તા.૬ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે નકલી સિંચાઇ કચેરીના કૌભાંડમાં વધુ બે અધિકારીઓની પોલીસે ધરપકડ કરતાં આરોપીનો આંક ૭ ઉપર પહોંચ્યો છે. બે દિવસમાં ૪ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી બહાર આવતા સરકારી કર્મચારીઓમાં ફફળાટ વ્યાપ્યો છે જયારે પ્રાયોજના વહીવટદાર કચેરીમાં ફરજ બજાવતા અને સંડોવણીમાં તેઓના નામ હોવાથી મેરા નંબર કબ આયેગાની ચર્ચાઓ શરૃ થવા લાગી છે.
છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદારની કચેરીમાં રૃા.૪.૧૫ કરોડના કૌભાંડમાં અગાઉ ફરજ બજાવી ગયેલા અને બદલી થયેલા અધિકારીઓના જવાબો પોલીસે લેતા પોલીસને પોપટની માફક ધરપકડ થયેલા કર્મચારીઓએ કૌભાંડમાં નકલી કચેરીને ગ્રાન્ટ ફાળવનારના નામો મળી રહ્યા છે. જેમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી દિનેશ કે. ચૌધરી તેઓનું હાલ પોસ્ટિંગ રાજપીપલા પ્રાયોજના વહીવટદાર કચેરીમાં છે તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ છોટાઉદેપુર મયુર કે. પટેલ તેઓનું પોસ્ટિંગ હાલ સુરત ડ્રેનેજ ડિઝાઇન પેટા વિભાગ સુરત છે આ બે અધિકારીઓની ધરપકડ કરાઈ છે.
બંને અધિકારીઓ પૈકી દિનેશ કે. ચૌધરીએ બે વર્ષથી વધુ સમય સુધી છોટાઉદેપુરમાં ફરજ બજાવી હતી તેઓ પ્રાયોજના વહીવટદારના ખાસ માણસ તરીકે ઓળખાતા હતાં. પ્રાયોજના કચેરીમાં વિકાસના કામો માટે ખાનગી સંસ્થાઓને મોટાપાયે ગ્રાન્ટ ફાળવણીમાં મદદ કરતા હતા આખી કચેરીનો વહીવટ તેઓને પૂછયા વગર થતો ના હતો જયારે પ્રાયોજના વહીવટદાર કચેરીની હસ્તક ચાલતી મોડેલ સ્કૂલોમાં ગરીબ આદિવાસી બાળકોને ભોજનના કોન્ટ્રાકટમાં હયગયની ફરિયાદો વાલીઓ કરતા હતા પરંતુ બાળકોના ભોજનની ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપતા ના હતાં.
નકલી સિંચાઇ કચેરીમાં નકલી અધિકારી હતો તે ખાસ અગંત હતો અને નકલી અધિકારી સાથે જ સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. નકલી કચેરીને ગ્રાન્ટ ફાળવવા માટે દરખાસ્ત પ્રાયોજના વહીવટદાર પાસે સહિમાં મૂકતો હતો હાલ આ અધિકારીઓ પકડાતા કુલ ૪ સરકારી અધિકારીઓ અને ૩ નકલી કર્મચારીઓની ધરપકડ થતા કુલ આંક ૭ ઉપર પહોંચ્યો છે.