બોડેલી ખાતેની નકલી સિંચાઇ કચેરીના કૌભાંડમાં દિનેશ ચૌધરી સહિત બેને રિમાન્ડ
કુલ સાતની ધરપકડ ઃ સીટ દ્વારા તપાસમાં હજી વધુ ધરપકડની શક્યતા
નસવાડી તા.૭ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે નકલી સિંચાઇ કચેરીના કૌભાંડમાં સંડોવાયેલા મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી અને નાયબ કાર્યપાલક ઈજનેરની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા બંને અધિકારીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સિંચાઈ વિભાગની નકલી કચેરી બનાવી રૃા.૪.૧૫ કરોડના કૌભાંડ મામલે ૩ નકલી અધિકારીઓની પોલીસે ધરપકડ કરી હતી જે પૈકી બે નકલી અધિકારી સંદિપ રાજપૂત અને અબુબકરના ૧૨ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા જેને લઇ પોલીસ તપાસ શરૃ કરતા બીજા એક આરોપી અંકિત સુથારનું નામ ખૂલતા તેની પણ ધરપકડ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
પોલીસ તપાસમાં પ્રાયોજના વહીવટદાર કચેરીના જૂનિયર કલાર્ક અને ફરિયાદી જાવેદ મોકનોજીયા અને ભૂતપૂર્વ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી ચંદુભાઈ કારેલિયાના નામ બહાર આવતા બંનેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ લીધા હતાં. ત્યાર બાદ અન્ય બેની પણ સંડોવણી બહાર આવતા મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી દિનેશ ચૌધરી અને નાયબ કાર્યપાલક ઈજનેર મયુર પટેલની ધરપકડ કરી બંનેને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
નકલી સિંચાઇ કચેરીના કૌભાંડમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં સીટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં હજી વધુ કૌભાંડીઓના નામો ખૂલે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ થાય તેમ મનાય છે.