કરજણમાં નકલી શુધ્ધ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ ઃ બેની ધરપકડ

વનસ્પતિ ઘી, પામોલિન તેલના ડબ્બાઓ સહિત કુલ રૃા.૩.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
કરજણમાં નકલી શુધ્ધ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ ઃ બેની ધરપકડ 1 - image

કરજણ તા.૨૮ કરજણના નવાબજાર વિસ્તારમાં જલારામનગરમાંથી  નકલી ઘી બનાવતી ફેકટરી પોલીસે ઝડપી પાડી બે ઇસમોની અટકાયત કરી પૂઠાના બોક્ષમાં પેક કરેલ કુલ ૩૩૯ લીટર બનાવટી ઘી જેની કુલ કિંમત રૃ.૧.૬૯ લાખ સહિત બનાવટી ઘી બનાવવામાં ઉપયોગમાં લીધેલા તેલ, વનસ્પતિ ઘીના ડબ્બા મળી કુલ રૃા.૩.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કરજણ નવાબજાર જલારામનગરમાં રહેતા કમલેશભાઈ શનાભાઈ વસાવાના ચણતરવાળા પતરાની ઓરડીમાં ભેળસેળયુક્ત બનાવટી ઘી જાતે બનાવી પાઉચમાં પેકિંગ કરી વેચાણ અર્થે રાખેલ છે. તેવી બાતમી કરજણ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે છાપો મારતાં તેમાં પોલીથીન તેલના ડબ્બા તથા વનસ્પતિ ઘીના  ડબ્બા, ગેસની બોટલ, સગડી, વજનકાંટો  સહિતનો  સામાન મળી આવ્યો હતો. 

પોલીસે મનુષ્યના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરનાર આરોપી રાકેશભાઈ પરબતભાઈ વઘાસીયા(રહે.શાીપાર્ક,નવાબજાર, કરજણ મૂળ રહે.જસાપર તા.જસદણ, જિલ્લો-રાજકોટ) અને કમલેશ શનાભાઈ વસાવા (રહે.ગોકુલવિભાગ-૩, જલારામનગર કરજણ)ની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસે બનાવટી ઘી બનાવવા ઉપયોગમાં લીધેલા વનસ્પતિ ઘીના ડબ્બા નંગ - ૨૪, કુલ કિંમત રૃ. ૪૮૦૦૦, પામોલિન તેલના ડબ્બા નંગ - ૪૦ કુલ કિંમત રૃ. ૭૨૦૦૦,  બનાવટી ઘીને ગીર અમૃત ગાય કા શુદ્ધ ઘી લખેલ પૂઠાના એક  લીટરવાળા બોક્ષમા ભરેલ કુલ ૨૫૫ લીટર બનાવટી ઘી જેની કુલ કિંમત રૃ. ૧,૨૭,૫૦૦, ૧૨ લીટરના ડબ્બામાં તૈયાર કરેલ કુલ  ૮૪ લીટર ઘી  જેની કુલ કિંમત રૃ.૪૨,૦૦૦, વજન કાંટો , તપેલા સહિતનો કુલ રૃા.૩.૧૫ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News