વડોદરામાં જાલી નોટોનું ધૂમ ચલણ, 5.69 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો મળી
વડોદરા,તા.14 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરાના બજારમાં હજી પણ જાલી નોટોનું ધૂમ ચલણ ચાલી રહ્યું છે અને સરકારી અને ખાનગી બેંકોના ભરણામાં પણ આવી ચલણી નોટો મળી આવવાના કિસ્સા બની રહ્યા છે.
દેશના અર્થતંત્રને પાયમાલ કરવા માટે મોટા પ્રમાણમાં જાલી નોટો ઘુસાડવામાં આવતી હોય છે. જેથી બેંકો દ્વારા આવી નોટો મળતા રીઝવૅ બેંક ઓફ ઇન્ડિયાને જાણ કરવામાં આવતી હોય છે. વડોદરાની બેન્કોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન જુદા જુદા દરની 5.69 લાખની જાલી નોટો મળી આવતા આરબીઆઇની સૂચનાથી વડોદરા શહેર બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ડુપ્લીકેટ નોટોમાં સૌથી વધારે 500 ની અને 2000 ની નોટોનો સમાવેશ થાય છે. ભરણામાં આવેલી કુલ 1110 નોટોમાં રૂ.500 ની 720 નોટ, રૂ.200 નાદરની 98 નોટ, રૂ.100ના દરની 193 નોટ, રૂ.2000ની 85 નોટ, રૂ.50 ની 12 અને રૂ.20 ની બે નોટનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.