કચરો ભરીને લઈ જતા ડમ્પરો રસ્તા પર કચરો ફેલાવે છે
વડોદરાઃ વડોદરા શહેરમાં તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરની સફાઈ કરવામાં આવી હતી.પીએમ મોદી અને સ્પેનના પીએમ સાન્ચેઝના રુટ પર કચરો ના જોવા મળે તેનું ધ્યાન રાખવામાં આવતું હતું.
એ પછી હવે ફરી સ્થિતિ ઠેરની ઠેર થવા માંડી છે.આજે દિવાળીના દિવસે જ ડમ્પિંગ સાઈટ પર કચરો ઠાલવતા કોર્પોરેશનના ડમ્પર ચાલકો શહેરના રસ્તાઓ પર દુર્ગંધ ફેલાવવાની સાથે સાથે રસ્તા પર કચરો ફેલાવતા દેખાયા હતા.
ઠાંસી ઠાંસીને કચરો ભરેલા ડમ્પરો પર તાડપત્રી ઢાંકવાની હોય છે.જેથી ડમ્પિંગ સાઈટ પર જતી વખતે તેમાંથી કચરો નીચે પડે નહીં તેમજ રસ્તા પર દુર્ગંધ ઓછી ફેલાય.તેની જગ્યાએ આજે કોર્પોરેશનની કિશનવાડી વિસ્તારમાં કચરો એકઠો કરવાની જગ્યાએથી કચરો ભરીને ડમ્પિંગ સાઈટ પર જઈ રહેલું ડમ્પર અડધું ખુલ્લું નજરે પડયું હતું.
આ ડમ્પરમાંથી કચરો રસ્તા પર પડી રહ્યો હતો તેમજ તેમાંથી આવી રહેલી બદબૂથી વાહનો ચાલકો પણ પરેશાન થતા નજરે પડયા હતા.જોકે કચરો ઠાલવતા ડમ્પર ચાલકો માટે આ નવું નથી.કોર્પોરેશનના અધિકારીઓ અને હોદ્દેદારોની મહેરબાનીથી બેફામ બનેલા ડમ્પર ચાલકો છાશવારે ડમ્પરોમાંથી કચરો રસ્તા પર ફેલાવતા હોય છે.