સિટી બસ ડેપો પર વૃધ્ધાની ગાંધીગીરી સામે તંત્ર ઝુક્યુ..તાબડતોબ બસ દોડાવી
symbolic |
માંડવી વિસ્તારમાં રહેતી રમાબેન રોહરા નામની સિનિયર સિટિઝન મહિલાએ કહ્યું હતું કે,હું એકલવાયી છું અને મારે દંતેશ્વર ખાતે સંતોષી માતાના મંદિરે તેમજ અન્ય મંદિરોએ જવાનો નિયમ છે.મારી આવક મર્યાદિત છે અને બીજું કોઇ વાહન પણ નથી. બસની ટિકિટ વખતે છૂટા પૈસાનો પ્રશ્ન થતો હોવાથી મેં ખાસ પાસ કઢાવ્યો છે.
પરંતુ સમયપત્રક મુજબ અનેકવાર બસ આવતી નહિં હોવાથી મારા જેવા અનેક સિનિયર સિટિઝનો તેમજ જમનાબાઇ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ,તેમના સગાં પરેશાન થતા હોય છે.ઘૂંટણના અસહ્ય દુખાવા ને કારણે ચાલી પણ શકતી નથી.જેથી બસ ના મળે તો મારે કોઇ વાહનચાલકને કાકલૂદી કરીને લિફ્ટ લેવી પડે છે.
રમાબેને કહ્યું છે કે,બે દિવસ પહેલાં જીવનભારતી કારેલીબાગ ખાતે એક ભક્તિ કાર્યક્રમમાંથી પરત ફરતી હતી ત્યારે બસનો સમય થઇ ગયો હોવાથી માંડમાંડ બસના રૃટ પર પહોંચી હતી.પરંતુ બસ આવી નહતી.જેથી મેં બસ ડેપો પર ફોન કરતાં આજે બસ નહિં મુકાય તેવો જવાબ મળ્યો હતો.હું તરત જ સ્ટેશને ગઇ હતી.કંટ્રોલરૃમમાં રજૂઆત કરી હતી અને આજે બસ નહિં મુકાય તો મરીશ ત્યાં સુધી અહીં જ રહીશ તેમ કહીને અડિંગો જમાવ્યો હતો.મેં શી ટીમને પણ બોલાવી હતી.આખરે તેમણે તાબડતોબ બસ મુકી હતી.
બસ દૂર ઉભી રાખતા હોવાથી સિનિયર સિટિઝનોને દોડવું પડેછે
રમાબેને એવો આક્ષેપ કર્યો હતો કે,મોટા ભાગના બસ ડ્રાઇવર સારા હોય છે અને અમારી તકલીફ સમજતા હોય છે.પરંતુ કેટલાક અમારાથી દૂર બસ ઉભી રાખતા હોય છે.જેથી અમારે દોડવાની ફરજ પડે છે.મારા જેવા અનેક સિનિયર સિટિઝનોને આવા અનુભવ થઇ રહ્યા છે.
માંડવી પાસે બસસ્ટેન્ડ જરૃરી,રિક્ષાઓ આગળ આવી જાય છે
મહિલાએ કહ્યું હતું કે,માંડવી પાસે બસ ઉભી રહે તેવું બસસ્ટેન્ડ જરૃરી છે.કેટલીક વાર બસ આવે ત્યારે રિક્ષાવાળા આગળ આવી જાય છે.જેથી અમારા જેવા વૃધ્ધોને ખૂબ અડચણ પડે છે.ટ્રાફિક પોલીસે આવી સમસ્યાઓને પણ ધ્યાને લેવી જોઇએ.