શુક્રવારી બજારને લીધે રોડ પર દબાણો થતા ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રસ્ત
ફેરિયાઓ રોડ પર જ દબાણ કરી સામાન વેચવા બેસે છે, ખરીદી કરવા આવતા લોકોનુ પણ આડેધડ પાર્કિંગ
વડોદરામાં દર શુક્રવારે ભૂતડી ઝાંપા વિસ્તારમાં જૂના સામાનના વેચાણ માટે ભરાતી શુક્રવારી બજારને લીધે રોડ પર દબાણો થવાથી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને લોકોને આવજા કરવામાં મુશ્કેલી પડતી હોય છે, જેથી કોર્પોરેશન અને શહેર પોલીસ તંત્રને પત્ર લખીને રજૂઆત કરી આ સમસ્યા ઉકેલવા માગ થઈ છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિએ કહ્યું છે, દર શુક્રવારે ભૂતડીઝાંપા રોડ પર શુક્રવારી બજાર ભરાય છે. પેટ્રોલપંપથી ન્યુ ઈરા ગર્લ્સ હાઈસ્કૂલ પાસેનો વૈકલ્પિક રસ્તો ચાલુ રહેતો હોવાથી કારેલીબાગ અને હરણીના રહીશો શહેરી વિસ્તારોમાં અવરજવર કરી શકતા હતા, પરંતુ હવે તંત્રની બેદરકારીને કારણે શુક્રવારી બજારનો વ્યાપ વધતા પેટ્રોલપંપથી ગર્લ્સ હાઈસ્કુલ વાળા રસ્તા ઉપર પણ ફેરિયાઓએ દબાણ કરી દેતા અવરજવર કરવી ભારે મુશ્કેલી થઈ ગઈ છે. શાળાના વિદ્યાર્થીઓ, સીનીયર સિટીઝનો, એમ્બ્યુલન્સ કે વેપારીઓને શહેરી વિસ્તાર સુધી અવરજવર કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે. અસંખ્ય રજૂઆતો કરેલી હોવા છતાં તંત્ર રોડ પર રસ્તા ખુલ્લા કરવા પગલાં લેતું નથી. રસ્તા ઉપર દબાણ કરીને સામાન વેચવા બેસતા પથારાવાળા, અને તેમના ટેમ્પા તો દબાણ કરે જ છે, પણ જૂનો બંગાર સામાન ખરીદવા આવતા લોકો પણ પોતાના વાહનો જ્યાં ત્યાં મૂકી દે છે. આડેધડ પાર્કિંગ કરીને એક માત્ર વિકલ્પ તરીકે વપરાતો રસ્તો પણ રોકી લે છે. ગેરકાયદે એન્જિન લગાવી રોડ પર શેરડીના રસના કોલા ફરતા રહે છે. રોડ ઉપરના દબાણો દૂર કરવા પગલાં ન લેવાતા કારેલીબાગ અને હરણીના નાગરિકોને તકલીફ પડે છે. શુક્રવારી બજારને રોડ - રસ્તા ઉપર દબાણ થાય નહીં તે રીતે વૈકલ્પિક જગ્યા આપી રોડ ખુલ્લા રહે તેવી કામગીરી કરવા જણાવાયું છે.