છોટાઉદેપુરમાં સંગઠનના અસંતોષે ગીતાબેન રાઠવાનોભોગ લીધો,ભાજપમાંથી રાજીનામું આપનારને ટિકિટ
વડોદરાઃ છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ગીતાબેન રાઠવાની ટિકિટ કાપીને જશુભાઇ રાઠવાની પસંદગી થતાં ભાજપના કાર્યકરોમાં ટિકિટ કાપવા પાછળના કારણો ચર્ચાની એરણે રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ,ગીતાબેન રાઠવાને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની જવાબદારી સોંપ્યા બાદ સાંસદ બનાવવામાં આવ્યા હતા.પરંતુ સંગઠનના કેટલાક હોદ્દેદારો તેમની કાર્યપધ્ધતિથી નારાજ હતા.
આ ઉપરાંત ગ્રાન્ટની ફાળવણીના મુદ્દે પણ કેટલાક કાર્યકરો અસંતુષ્ટ રહ્યા હોવાની વિગતો ચર્ચામાં છે.જેને કારણે બે ટર્મ સાંસદ રહ્યા પછી તેમની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ જેમને ટિકિટ અપાઇ છે તે જશુભાઇ રાઠવા ભાજપના પાયાના કાર્યકર છે.૧૫ વર્ષ સરપંચ અને તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હતા.સિનિયર ધારાસભ્ય મોહન સિંહ રાઠવા સામે વિધાનસભાની ચૂંટણીમાં તેઓ માત્ર ૧૧૦૦ મતે હાર્યા હતા.પ્રદેશના આદિવાસી મોરચાના તેઓ ઉપપ્રમુખ છે.
વર્ષ-૨૦૨૨માં કોંગ્રેસના દિગ્ગજ નેતા (હાલ ભાજપ)મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ અપાતાં જશુભાઇએ ભાજપના સક્રિય સભ્યપદ સહિતના તમામ ચાર હોદ્દા પરથી રાજીનામા આપી દીધા હતા.પરંતુ પ્રદેશના મોવડીઓએ તેમને મનાવી લેતાં તેઓ પૂરજોશથી પ્રચારમાં લાગી ગયા હતા.તેઓ વડાપ્રધાનની ગુડબુકમાં હોવાથી તેમની પસંદગી થઇ છે.