Get The App

પોલીસની સતર્કતાને કારણે લોહીયાળ બનાવ બનતાં રહી ગયો,ફિલ્મી ઢબે હુમલો કરવા આવેલા પાંચ પકડાઇ ગયા

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
પોલીસની સતર્કતાને કારણે લોહીયાળ બનાવ બનતાં રહી ગયો,ફિલ્મી ઢબે હુમલો કરવા આવેલા પાંચ પકડાઇ ગયા 1 - image

વડોદરાઃ ગોત્રી વિસ્તારમાં આજે ફિલ્મીઢબે હુમલો કરવાના ઇરાદે આવેલા પાંચ હથિયાર ધારી શખ્સોને  પોલીસે સ્થળ પર દબોચી લીધા હતા.

ગોત્રી રોડ પર વ્રજરેણુ હોસ્પિટલ પાસે જય માતાજી ટી સ્ટોલ ખાતે આજે સવારે આઠેક વાગ્યાના અરસામાં બનેલા બનાવ અંગે ટી સ્ટોલ ધરાવતી સિનિયર સિટિઝન મહિલા સરોજબેન ઠક્કરે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ કહ્યું હતું કે,સવારે સાતેક વાગે મારા ભાણીયા કિશને મને ફોન કરી ને કહ્યું હતું કે,તેના પર(કિશન પર) ભોલુ શર્માનો ફોન આવ્યો હતો અને ભોલુએ જૂના ઝઘડાની અદાવત રાખી આજે માણસો લઇને આવું છું તને અને લખનને પતાવી દઇશું તેવી ધમકી આપી હતી.ભોલુએ આવી જ રીતે લખનને પણ ફોન કરીને આજે માણસો લઇને આવું છું,તને અને કિશનને છોડવાના નથી તેવી ધમકી આપી હતી.

મહિલાએ પોલીસને કહ્યું છે કે,ત્યારબાદ આઠેક વાગે ઇકો વાનમાં પરેશ ઉર્ફે ભોલુ શર્મા,ધવલ પરેશ શર્મા,યોગીન પટેલ,વીર વર્મા અને જય મકવાણા( રહે.સ્નેહ ફ્લેટ, મધર્સ સ્કૂલ પાછળ,ગોત્રી) ધસી આવ્યા હતા. જે પૈકી ભોલુના હાથમાં છરો હતો.યોગીનની કમરના ભાગે કાંઇક હતું.ધવલ અને જય મકવાણાના હાથમાં ચાકુ હતા.

ગાળો ભાંડતા હુમલાખોરો ટી સ્ટોલની આગળપાછળ ફરી વળ્યા હતા અને કિશન અને લખન ક્યાં છે,તેઓ દાદા બની ગયા છે..આજે છોડીશું નહિં તેમ કહેતા હતા.જેથી મેં ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો.અકોટાના પીઆઇ વાય જી મકવાણાએ કહ્યું હતું કે,કંટ્રોલની વર્દી મળતાં જ અકોટા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પાંચેય જણાને ઝડપી પાડયા હતા.પોલીસે રાયોટિંગ અને ધમકીનો ગુનો નોંધ્યો છે.

ફિલ્મી ઢબે હુમલો કરવા આવેલા પાંચ હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું

ગોત્રી રોડ પર ટી સ્ટોલ પર કિશન અને લખન નામના બે યુવકો પર હુમલો કરવાના ઇરાદે અગાઉ થી ધમકી આપીને ઇકો કારમાં મારક હથિયારો સાથે ફિલ્મી ઢબે આવેલા પરેશ ઉર્ફે ભોલુ શર્મા સહિત પાંચ જણાને અકોટા પોલીસે ઝડપી પાડયા બાદ સાંજે તેમને સરઘસાકારે સ્થળ પર લઇ જવામાં આવ્યા હતા.જે દરમિયાન લોકો એકઠા થયા હતા.પોલીસે હુમલાખોરો પાસે રિકન્સ્ટ્ર્ક્શન કરાવ્યંુ હતું.


Google NewsGoogle News