VMC દ્વારા આડેધડ ખોદકામથી ભારે નુકસાન, વાઘોડિયારોડ પર ગેસ લાઇન તૂટતાં પુરવઠો ખોરવાયો
વડોદરાઃ શહેરમાં કોર્પોરેશન દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવતું હોવાથી ભારે નુકસાન થવાના બનાવો હવે રોજના બની ગયા છે.
કોર્પોરેશનના વિભાગો વચ્ચે સંકલનના અભાવ વચ્ચે ખોદકામ ચાલી રહ્યંુ હોવાથી પાણીની પાઇપો તૂટવાથી હજારો લિટર પાણી વેડફાતું હોવાના તેમજ ડ્રેનેજ અને ગેસની લાઇનો પણ તૂટતી હોવાના બનાવો બનતા હોય છે.
આજે વાઘોડિયારોડ વિસ્તારમાં ડીમાર્ટથી ગાજરાવાડી જવાના માર્ગે ડ્રેનેજ ના કામ દરમિયાન ગેસ લાઇન તૂટતાં ગેસ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સમારકામ કર્યું હતું.
આ દરમિયાન વાઘોડિયારોડ વિસ્તારમાં કલાદર્શન ચારરસ્તાથી ડીમાર્ટ થઇને ગાજરાવાડી ગણપતિ મંદિર સુધીના વિસ્તારનો ગેસ પુરવઠો બંધ કરી દેવાતાં અનેક લોકો અટવાયા હતા.