શહેરમાં ધોધમાર વરસાદના પગલે ઠેર - ઠેર ટ્રાફિક જામ થતા અફરાતફરી
વિશ્વામિત્રી નદી માંડ ૨૦૦ મીટર દૂર હોવાછતાંય વરસાદ બંધ થયા પછી પણ કારેલીબાગમાં દર વખતની જેમ પાણીનો ભરાવો
વડોદરા,શહેરમાં વરસાદ પડતાની સાથે જ જાહેર માર્ગો પર પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહન ચાલકો અટવાઇ પડયા હતા. શહેરના મોટા ભાગના માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તેમાંય ચાર રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વરસાદ બંધ થયાના લાંબા સમય સુધી વાહનોની લાંબી કતારો નજરે પડતી હતી.
સાંજે શહેરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે નોકરીથી છૂટીને ઘરે જતા લોકો અટવાઇ ગયા હતા. વરસાદ બંધ થવાની રાહ જોઇને લોકો ઓફિસમાં જ રોકાઇ ગયા હતા. બીજી તરફ બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા શહેરના મોટા ભાગના માર્ગો પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. વરસાદ બંધ થયા પછી લોકો વાહનો લઇને ઘરે જવાના રવાના થયા હતા. વરસાદી પાણીના ભરાવાના કારણે રોડ પર અડધો ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે કેટલાક સ્થળે ટુ વ્હીલર બંધ પડી ગયા હતા. વાહન ચાલકો ટુ વ્હીલરને ધક્કા મારીને લઇ જતા નજરે પડતા હતા.
શહેરમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ વિશ્વામિત્રી નદીમાં થતો હોય છે. પરંતુ, કારેલીબાગ મુક્તાનંદ ત્રણ રસ્તા અને વુડા સર્કલથી વિશ્વામિત્રી નદી માંડ ૨૦૦ મીટર દૂર છે. તેમછતાંય દર વખતે ત્યાં જ પાણી ભરાઇ જતું હોય છે. મોડીરાત સુધી આ વિસ્તારમાં ટ્રાફિક જામ હતો.શહેરમાં પાણી નિકાલની વ્યવસ્થા યોગ્ય નહીં હોવાથી વરસાદી પાણી સામાન્ય વરસાદમાં પણ ભરાઇ જતા હોય છે. જેના કારણે દર વખતે નાગરિકોને હેરાન થવાનો વારો આવે છે.