ભારે વરસાદથી ચોથી વખત પૂર્વ વિસ્તાર જળમગ્ન થતા તંત્ર સામે લોકોનો ભારે રોષ
મુખ્ય માર્ગો પર ત્રણ ફૂટ જ્યારે સોસાયટીના અંતરિયાળ વિસ્તારમાં ચાર ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા
વડોદરા,શહેરમાં રવિવારે માત્ર પાંચ ઇંચ વરસાદે ફરીથી પૂર જેવી સ્થિતિ સર્જી છે. પૂર્વ વિસ્તારની તમામ સોસાયટીઓમાં ચાર ફૂટ પાણી ભરાઇ ગયા હતા. કેટલીક સોસાયટીના ઘરોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. વરસાદી પાણી જે રીતે ભરાતા હતા. તે જોઇને લોકોના જીવ પડીકે બંધાયા હતા.
શહેરમાં આ વર્ષે વરસાદની સીઝને તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે. આજે તો માત્ર પાંચ ઇંચ વરસાદે જ જળબંબાકાર સર્જી દીધો હતો. બપોરે ૧૨ વાગ્યે ધીમી ધારે શરૃ થયેલા વરસાદે જોતજોતામાં જોર પકડયું હતું. માત્ર બે કલાકના ગાળામાં જ પૂર્વ વિસ્તારની તમામ સોસાયટીઓ ઉપરાંત મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોએ પોતાનો સામાન પહેલા માળે શિફ્ટ કરી દીધો હતો. રવિવારે રજાના દિવસે પણ લોકો ઘરમાં જ નજરકેદ થઇ ગયા હતા. આજવા રોડ, વાઘોડિયા રોડ, પૂનમ કોમ્પલેક્સ રોડ પર મુખ્ય માર્ગો પર ત્રણ થી ચાર ઇંચ પાણી ભરાયા હતા. ઘરે જતા વાહન ચાલકોના વાહનો બંધ થઇ ગયા હતા.
પૂર્વ વિસ્તાર આ સીઝનમાં ચોથી વખત જળમગ્ન થઇ ગયો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે રોડ પર અને સોસાયટીના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. પૂર્વ વિસ્તારના રહીશોની હાલત એવી છે કે, એક તરફ વરસાદી પાણીના ભરાવાની સમસ્યા તો બીજી તરફ વરસાદની સીઝનમાં પણ પીવાના પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા છે. સોસાયટીઓમાં પાણી વિતરણની વ્યવસ્થા પણ સદંતર નિષ્ફળ છે. પરંતુ, શાસકોના પેટનું પાણી હલતું નથી.
ચાર વાગ્યા પછી વરસાદનું જોર ઘટયું હતું. જેથી, લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ, હજી વરસાદની આગાહી છે. એકાદ ઝાપટું જોરદાર પડી જાય તો ફરીથી લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. હજી રાતે વરસાદની આગાહી છે.