વડોદરામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આજવા સરોવરના 62 દરવાજા ખોલવા અંગે નિર્ણય થઈ શકે

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આજવા સરોવરના 62 દરવાજા ખોલવા અંગે નિર્ણય થઈ શકે 1 - image


- હાલ વરસાદનો વિરામ છે અને હજુ સુધી એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ નથી 

- આજવાની હાલની સપાટી 212.10 ફૂટ

- આજવા સરોવરનું રૂલ લેવલ 212.50 ફૂટ છે

- વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો 

વડોદરા,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર

છેલ્લા ચાર પાંચ દિવસથી વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદની સિઝન જામતા થયેલા વરસાદને લીધે વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા ઐતિહાસિક આજવા સરોવરની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે સવારે આજવાની સપાટી 212.10 ફૂટ હતી. હાલ વરસાદનો વિરામ છે, આમ છતાં જો ભારે વરસાદની સ્થિતિ ઉભી થાય તો આજવાના 62 દરવાજા ખોલવા અંગે નિર્ણય થઈ શકે, પરંતુ હાલ એવી કોઈ પરિસ્થિતિ જણાતી નથી. આજવાનું રૂલ લેવલ 212.50 ફૂટ છે. હજી ચાર-પાંચ દિવસ પહેલા આજવાનું લેવલ 209.50 ફૂટ હતું. જેમાં તાજેતરના થયેલા વરસાદને લીધે આશરે અઢી ફૂટ નવું પાણી આવતા આજવા સરોવર અપેક્ષિત લેવલ મુજબ ભરાતા કોર્પોરેશનના તંત્રને પણ રાહત થઈ છે, અને આખું વર્ષ શહેરના પૂર્વ વિસ્તારને પાણી મળતું રહેશે.

આજવામાં છેલ્લા 24 કલાકમાં 12 મીમી વરસાદ થયો છે, જ્યારે સીઝનનો કુલ વરસાદ 743 મીમી થયો છે. આજવાના ઉપરવાસમાં પ્રતાપપુરા સરોવરમાં હાલ લેવલ 224.85 ફૂટ છે. પ્રતાપપુરામાં પણ 24 કલાકમાં 34 મીમી વરસાદ થયો છે, અને સીઝનનો કુલ વરસાદ 888 મીમી પડ્યો છે. એ જ પ્રમાણે ધન્સર વાવમાં 24 કલાકમાં 12 મીમી વરસાદ થયો છે. હાલોલમાં 35 મીમી વરસાદ થતાં મોસમનો કુલ વરસાદ 938 મીમી થયો છે. ઉપરવાસના આ બધા વિસ્તારોનું પાણી આજવા સરોવરમાં ઠલવાય છે. આજવા સરોવરમાં પાણી ઠાલવતી આસોજ ફીડર સવારે 3.25 ફૂટે ચાલુ હતી, એટલે કે આજવામાં સરોવરમાં હજુ થોડી સપાટી વધશે. સરકારના નિયમ મુજબ આજવા સરોવરમાં તારીખ 30 સપ્ટેમ્બર સુધી 212.50 ફૂટ થી વધુ પાણી રાખી શકાતું નથી. આમ છતાં હવામાનની આગાહી અને ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને 62 દરવાજા ખોલવાનો નિર્ણય લેવાતો હોય છે. બીજી બાજુ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. કાલાઘોડા ખાતે નદીની સપાટી 12 ફૂટ હતી. જ્યારે મંગલ પાંડે બ્રિજ પર સપાટી 13 ફૂટ જોવા મળી હતી. અકોટા બ્રિજ ખાતે સપાટી આશરે 15 ફૂટ નોંધાઈ હતી.


Google NewsGoogle News