વડોદરા જિલ્લા સહકારી સંઘમાં ભાજપની જૂથબંધી ,તમામ 19 બેઠકો બિનહરીફ છતાં પ્રમુખની ચૂંટણી મુલતવી
વડોદરાઃ વડોદરા જિલ્લાની સહકારી સંસ્થામાં ભાજપની જૂથબંધીને કારણે તમામ ૧૯ બેઠકો બિનહરીફ જાહેર થઇ હોવા છતાં આજે પ્રમુખ ની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી.
વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની વિવિધ કાર્યકારી તેમજ દૂધ મંડળીઓમાં સહકારી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા માટે તાલીમ તેમજ સેમિનાર જેવા કાર્યક્રમો કરતા વડોદરા જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટરોની મુદત પુરી થતાં ગઇ તા.૧૨મી સપ્ટેમ્બરે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.
જો કે,આ સંસ્થામાં ભાજપના ૧૭ તેમજ કોંગ્રેસના ૨ ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા હતા.જેમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ નિશાળિયાનો પણ સમાવેશ થાય છે.
તમામ ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા હોવા છતાં તેમજ ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં આજે સંઘના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં સહમતિ નહિ સધાતા ચૂંટણી મુલત્વી રહી હતી.નોંધપાત્ર બાબત એ છે કે,ભાજપના પ્રદેશ મોવડી દ્વારા ૧૭ ડિરેક્ટરોના સેન્સ પણ લેવામાં આવ્યા હતા.પરંતુ તેમ છતાં આજે પક્ષ દ્વારા પ્રમુખ- ઉપપ્રમુખના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો નહતો.ચૂંટણી અધિકારી દ્વારા વહીવટી કારણ દર્શાવી આજની ચૂંટણી મુલત્વી જાહેર કરવામાં આવી હતી.