વડોદરાના ગીચ વિસ્તારમાં અને સાંકડા રોડ પર ડ્રેનેજની કામગીરીને લીધે રોડ બંધ રહેતા લોકોને મુશ્કેલી

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
વડોદરાના ગીચ વિસ્તારમાં અને સાંકડા રોડ પર ડ્રેનેજની કામગીરીને લીધે રોડ બંધ રહેતા લોકોને મુશ્કેલી 1 - image


- વાડી વિસ્તારમાં કામગીરી ત્રણ મહિના સુધી ચાલશે

વડોદરા,તા.25 ઓક્ટોબર 2023,બુધવાર

વડોદરાના વાડી વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિરથી ગાજરાવાડી પાણીની ટાંકી તરફ જતા રોડ પર રંગમહલ ચબુતરા પાસે ડ્રેનેજ લાઇન પર સિંકિંગ  પધ્ધતિથી મશીનહોલ બનાવવા 45 લાખના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે હાલ રોડ બંધ છે અને લોકોને ત્રણ મહિના સુધી કામ ચાલુ રહેવાનું હોવાથી તકલીફ વેઠવી પડશે.

વડોદરાના ગીચ વિસ્તારમાં અને સાંકડા રોડ પર ડ્રેનેજની કામગીરીને લીધે રોડ બંધ રહેતા લોકોને મુશ્કેલી 2 - image

હાલ લોકોને આ કામગીરીને લીધે અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે. પૂર્વઝોન વિસ્તારમાં હરણખાના રોડ પરની ડ્રેનેજ લાઇન વાડી સ્વામિનારાયણ મંદિર થઇ ગાજરાવાડી પાણીની ટાંકી થઇ ગાજરાવાડી પંપીંગમાં જાય છે. આ લાઇનમાં વહીવટી વોર્ડ-14 ના મોગલવાડા, વાડી તથા વહીવટ વોર્ડ-15 ના બાવામાનપુરા, તાઇવાડા વિસ્તારમાંથી ડ્રેનેજનું પાણી આવે છે. આ ડ્રેનેજ લાઇન વાડી વિસ્તારમાં રંગમહલ ચબુતરા પાસે વારંવાર ચોકઅપ થાય છે. વોર્ડ નં.14 દ્વારા અગાઉ જણાવેલ કે સ્વામિનારાયણ મંદિરથી ગાજરાવાડી પંપીંગ સ્ટેશન તરફ જતી ડ્રેનેજ રંગમહલ ચબુતરા પાસે મશીનહોલ તરફની લાઇન ચોકઅપ થવાના સંજોગોમાં બે મશીનહોલ વચ્ચેનું અંતર 105 મીટર જેટલું હોવાથી 6 મીટરની ઊંડાઇમાં ડ્રેનેજ લાઈન સફાઇ કરવામાં મુશ્કેલી પડે છે. જેથી બંને મશીનહોલ વચ્ચે જરૂરિયાત મુજબ નવું મશીનહોલ બનાવી આપવાની રજુઆત કરી હતી. આ લાઇનનો ડાયામીટર નાનો હોવાથી તેમજ મેનહોલ વચ્ચેનો ગાળો વધારે લાંબો હોવાથી વચ્ચેના ભાગે મશીનહોલ બનાવવા જરૂરી છે. આ કામગીરી વધુ ઉંડાઇ અને ટ્રાફીક વાળા તેમજ ગીચ વિસ્તારમાં કરવાની હોવાથી ઓપન એકસકેવેશથી મશીનહોલ બનાવી શકાય તેમ ન હોવાથી આ સ્થળે સીંકીંગ પધ્ધતિથી મશીનહોલ બનાવવામાં આવી રહ્યું છે. હાલ કામગીરી ચાલુ છે અને જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટુ વ્હીલર સિવાયના તમામ પ્રકારના વાહન માટે તેમજ અવર-જવર માટે વાડી ટાવર થી ગાજરાવાડી સુધીનો આ રોડ બંધ રહેશે. જોકે કોર્પોરેશનએ અગાઉ આ કામગીરીને લીધે રોડ બંધ રહેવાનો હોઈ અને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા લોકોને સૂચિત કર્યા હતા.


Google NewsGoogle News