મેમુ ટ્રેનમાં યુવતીના ફોટા પાડી હેરાન કરતા દારૃડિયાને લોકોએ ઝડપ્યો
ચાલુ ટ્રેનમાં પ્રવાસીઓએ દારૃડિયાને પાઠ ભણાવી રેલવે પોલીસને સોંપી દીધો
વડોદરા, તા.28 સુરત-વડોદરા મેમુ ટ્રેનમાં એક યુવતીના ફોટા પાડી એક દારૃડિયો હેરાન કરતા લોકોએ દારૃડિયાને પાઠ ભણાવી રેલવે પોલીસને સોંપી દીધો હતો.
આ અંગેની વિગત એવી છે કે રેલવે કંટ્રોલરૃમમાં એક યુવતીએ ફરિયાદ કરી હતી કે હું સુરત-વડોદરા મેમુ ટ્રેનમાં એન્જિન સાઇડથી બીજા નંબરના નજરલ કોચમાં પ્રવાસ કરું છું. આ કોચમાં એક યુવાન તેના મોબાઇલથી મારા ફોટા પાડે છે તેમજ ખરાબ ઇશારા કરી હેરાન પરેશાન કરે છે. આ યુવાન દારૃડિયો હોવાનું લાગે છે અને અમે બધા પ્રવાસીઓએ તેને પકડીને રાખ્યો છે.
યુવતીની ફરિયાદના પગલે રેલવે પોલીસની એક ટીમ પ્લેટફોર્મ નંબર-૬ પર પહોંચી ગઇ હતી અને ટ્રેન આવતાં કોચમાંથી લોકોએ પકડેલા શખ્સને ટ્રેનમાંથી ઉતારતા તે સખત દારૃ પીધેલો જણાયો હતો. તેનું નામ સુમિત રાજકિશોર યાદવ (રહે.રસુલપુર, તા.કુશીનગર, જિલ્લો બુધુન, ઔઉત્તર પ્રદેશ) જાણવા મળ્યું હતું. રેલવે પોલીસે તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.