દારૃનો નશો કરીને હોસ્ટેલમાં ધમાલ કરતા યુનિ.નો વિદ્યાર્થી પકડાયો
મોડીરાતે દારૃ પીને કારમાં ફરવા નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા : બે કાર કબજે
વડોદરા.એમ.એસ.યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં મોડીરાતે દારૃનો નશો કરીને ધમાલ કરતા વિદ્યાર્થીને સયાજીગંજ પોલીસ પકડી લાવી હતી. જ્યારે દારૃ પીને કાર લઇને નીકળેલા ચાર આરોપીઓને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડયા હતા.
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાતે સાડા આઠ વાગ્યે કલ્પ પવિત્રથી લક્ષ્મીપુરા સ્મશાન તરફ એક કાર પૂરઝડપે આવતી હોવાથી પોલીસે કાર ઉભી રખાવી હતી. કાર ચાલકને પૂછતા તેેણે પોતાનું નામ નિલેષ છોટાલાલ સુથાર ઉ.વ.૫૨, (રહે.સેવાશ્રમ સોસાયટી, આત્મજ્યોતિ મંદિર પાસે, ગોરવા) હોવાનું તથા બાજુની સીટ પર બેસેલા યુવકનું નામ ગૌરાંગ અંબાલાલ માંગરોલા ઉ.વ.૪૨, ( રહે. સુરભી પાર્ક સોસાયટી, સમતા) હોવાનું જણાવ્યું હતું. બંને લોકોએ દારૃનો નશો કર્યો હોવાનું જણાવતા પોલીસે તેઓની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય એક બનાવમાં જે.પી.રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન રાતે બે વાગ્યે સનફાર્મા રોડ નાયરા પેટ્રોલપંપની બાજુમાં એક કાર પૂરઝડપે આવતા પોલીસે કારને કોર્ડન કરી રોકી હતી. પોલીસે કાર ચાલક અમિતકુમાર મનુભાઇ પરમાર, ઉ.વ.૩૦ (રહે.કેશવ પાર્ક સોસાયટી, ઉમા વિદ્યાલયની બાજુમાં, તરસાલી) તથા તેની બાજુની સીટમાં બેસેલા યુવકનું નામ મહેશ મહીજીભાઇ પરમાર (રહે.મથુરા નગરી, ઓ.પી.રોડ) હોવાનું જાણવા મળ્યું હતું. બંને યુવકોએ દારૃનો નશો કર્યો હોવાથી પોલીસે તેઓની સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમીત સોફ્ટવેર એન્જિનિયર છે.
જ્યારે અન્ય એક બનાવમાં સયાજીગંજ પોલીસને કંટ્રોલ રૃમ તરફથી રાતે એક વાગ્યે મેસેજ મળ્યો હતો કે, એમ.એસ.યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલમાં એક છોકરો દારૃ પીને મગજમારી કરે છે. જેથી, પોલીસે હોસ્ટેલમાં જઇને તપાસ કરતા રિશુકુમાર રાજેશકુમાર કુમાર, ઉ.વ.૨૦ (રહે.ટી.કે.જી.હોલ, મૂળ રહે. બિહાર) દારૃના નશામાં મળી આવ્યો હતો. પોલીસે તેની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો છે.
ગોત્રી પોલીસે મળસ્કે ચાર વાગ્યે જેતલપુર બ્રિજ પાસે રોડ પરથી દારૃનો નશો કરેલા હિમાંશુ રવિશંકર પંચાલ, ઉ.વ.૪૦ ( રહે. ચંદ્રવિલા સોસાયટી, દિપ ચેમ્બર પાસે, માંજલપુર) તથા પંકજ અજયભાઇ હિંગુ, ઉ.વ.૩૩ ( રહે.હવેલી રેસિડેન્સી, મકરપુરા) ને ઝડપી પાડયા હતા. જ્યારે જેતલપુર રોડ રોડ પર દારૃનો નશો કરીને જતા મહિલા કોન્સ્ટેબલના પતિ ધવલ નંદાભાઇ ખાવડુ ( રહે. પ્રતાપ નગર પોલીસ લાઇન) તથા તેના મિત્ર રૃષાંગ વિનોદભાઇ જૈન ( રહે.તોજરંગ નગર, દંતેશ્વર)ને પોલીસે ઝડપી પાડયા હતા.