માણેજા ક્રોસિંગ પાસે નશેબાજ સ્ક્રેપના વેપારીએ રોંગ સાઇડ કાર હંકારતા લોકોના જીવ અદ્ધર
આરોપીની ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કરવા આર.ટી.ઓ.માં રિપોર્ટ કરવામાં આવશે
વડોદરા,માણેજા ક્રોસિંગ પાસે દારૃના નશામાં કાર ચલાવતા સ્ક્રેપના વેપારીને લોકોએ ઝડપી પાડયો હતો. કાર ચાલકને પકડી પોલીસને જાણ કરવામાં આવતા મકરપુરા પોલીસ ઘટના સ્થળે જઇને આરોપીને પકડી લાવી હતી. આરોપી સામે ગુનો દાખલ કરી કાર કબજે લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગઇકાલે રાતે માણેજા ક્રોસિંગ પાસે રોંગ સાઇડ પર એક કારચાલક પૂરઝડપે કાર ચલાવતા અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાયા હતા. નિર્દોષ રાહદરીઓના જીવ અદ્ધર કરી દેનાર કાર ચાલકને લોકોએ પકડી લઇ પોલીસને જાણ કરતા મકરપુરા પોલીસ તેને પકડી પોલીસ સ્ટેશન લઇ આવી હતી. પોલીસે પંચોની હાજરીમાં તેને ચલાવતા તે લથડિયા ખાતો હતો. તેના મોંઢા પર સામાન્ય ઇજાઓ થઇ હોવાનું દેખાતું હતું. પોલીસે તેની સામે દારૃ પીને કાર ચલાવવા અંગેનો ગુનો દાખલ કર્યો છે.
આ બનાવમાં કોઇને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું નથી. કોઇ ઇજાગ્રસ્ત પોલીસ સ્ટેશન કે દવાખાનામાં ગયો નથી. પોલીસે ઘટના સ્થળ સહિત ત્રણ થી ચાર સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. પરંતુ, આરોપીની કાર અન્ય કોઇ વાહનને અથડાઇ હોવાનું જણાઇ આવ્યું નથી. એસીપી પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, આરોપીનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરાવવા માટે આર.ટી.ઓ.માં રિપોર્ટ કરાશે. આરોપીએ ક્યાં દારૃ પીધો ? તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.