વડોદરાના ભૂતડીઝાંપા બસસ્ટેન્ડ સામેના મકાનમાંથી 22 લાખનું MD ડ્રગ્સ સાથે પેડલર પકડાયો
વડોદરાઃ વડોદરામાં ડ્રગ્સના વધુ એક કારોબારનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે.ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી તેના નેટવર્કની તપાસ હાથ ધરી છે.
વડોદરામાં ડ્રગ્સનો મોટે પાયે કારોબાર ચાલી રહ્યો હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે મિશન ક્લિન જાહેર કરી પોલીસ અધિકારીઓને ડ્રગ્સ માટે કડક હાથે કામ લેવા આદેશ આપ્યો છે.પોલીસ દ્વારા સ્કૂલો અને કોલેજોમાં પણ ડ્રગ્સ માટે જાગૃતિ લાવવા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે અને ચરસ,ગાંજા,અફિણ,એમડી જેવા ડ્રગ્સ વારંવાર પકડવામાં આવી રહ્યા છે.
આજે સંજે આવી જ રીતે પાર્ટી ડ્રગ્સનો મોટો જથ્થો પકડવામાં એસઓજીની ટીમને સફળતા મળી છે.ભૂતડીઝાંપા બસસ્ટેન્ડ સામે ગરનાળા પોલીસ ચોકીની ગલીમાં આવેલા ત્રણ મજલી મકાનમાં એમડી ડ્રગ્સની માહિતી મળતાં એસઓજી પીઆઇ વી એસ પટેલ અને ટીમે દરોડો પાડયો હતો.
પોલીસને મકાનમાંથી રૃ.૨૨લાખની કિંમતનું ૨૨૧ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતાં ફોરેન્સિકની ટીમને બોલાવી લેવામાં આવી હતી.પોલીસે ગુલામ હૈદર રફિકએહમદ શેખને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
ઇન્દોરના 70 કરોડના એમડી ડ્રગ્સ કેસમાં પણ ગુલામ હૈદર પકડાયો હતો
મુંબઇની મહિલાનો ડ્રાઇવર હતો,કોવિડ દરમિયાન ૨૦ કિલો ડ્રગ્સની હેરાફેરી કર્યાનો આક્ષેપ હતો
ઇન્દોરમાં ત્રણ વર્ષ પહેલાં ક્રાઇમ બ્રાન્ચે રૃ.૭૦ કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડયું હતું.જે ડ્રગ્સ રેકેટમાં વડોદરાનો ગુલામ હૈદર પણ પકડાયો હોવાની વિગતો ખૂલી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,ઇન્દોર પોલીસે ત્રણેક વર્ષ પહેલાં રૃ.૭૦ કરોડની કિંમતના ડ્રગ્સનો કેસ કર્યો હતો.જે કેસમાં વડોદરાના ગુલામ હૈદર શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ,આ કેસમાં સાત રાજ્યોના ૩૫ થી વધુ આરોપી પકડાયા હતા.જેમાં મુંબઇની એક મહિલા પણ સામેલ હતી.ગુલામહૈદર તેની કારમાં હેરાફેરી કરતો હોવાની વિગતો ખૂલી હતી.તેણે કોરોના દરમિયાન ૨૦ કિલો જેટલા ડ્રગ્સની હેરાફેરી કર્યાનો પોલીસે આક્ષેપ કર્યો હતો.જો કે આ કેસમાં તે જામીન પર છૂટયો હતો.
ડ્રગ્સ પેડલરના બે મોબાઇલ પરથી ઘણા રાઝ ખૂલશે,કોલ્સ ડીટેલ કઢાવી
ડ્રગ્સ પેડલર પાસે પોલીસે બે મોબાઇલ ફોન કબજે કર્યો છે.જેના પરથી તેનું નેેટવર્ક શોધવા માટે એક ટીમ કામે લાગી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,રૃ.૨૨ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા પેડલર ગુલામરસુલના બે મોબાઇલ અને રોકડા રૃ.૪૫૦૦ કબજે કરી તેની કોલ્સ ડીટેલ કઢાવવામાં આવી છે.
ગુલામ રસુલ કોની પાસે ડ્રગ્સ મંગાવતો હતો,કેટલા સમયથી મંગાવતો હતો,તેના નિયમિત ગ્રાહકો કોણ છે જેવી બાબતો પોલીસ માટે તપાસનો વિષય બની છે.