Get The App

MSUની ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોએ આડઅસર ના કરે તેવી ટીબીની દવા વિકસાવી

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
MSUની ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોએ આડઅસર ના કરે તેવી ટીબીની દવા વિકસાવી 1 - image

વડોદરાઃ શરીરમાં બીજી આડઅસર ના કરે તેવી ટીબી(ટયુબરક્યુલોસિસ)ની દવા શોધવામાં એમ.એસ.યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટીના સંશોધકોને પ્રાથમિક તબક્કે સફળતા મળી છે અને આ શોધને ભારત સરકાર દ્વારા પેટન્ટ પણ એનાયત કરવામાં આવી છે.

ફેકલ્ટીના વરિષ્ઠ અધ્યાપક ડો.પ્રશાંત મુરુમકરના હાથ નીચે પીએચડી કરનાર વિદ્યાર્થિની મોનિકા ચૌહાણને ઉપરોક્ત સંશોધનના હકારાત્મક પરિણામો મળ્યા છે.આ રિસર્ચ પેપરને બ્રિટનની પ્રતિષ્ઠિત જર્નલ ઓફ બાયોમોલેક્યુલર સ્ટ્રકચર એન્ડ ડાયનેમિક્સમાં પણ સ્થાન મળ્યું છે.

મોનિકા ચૌહાણના ગાઈડ ડો.મુરુમકર કહે છે કે,  અત્યારે ટીબીની સારવાર માટે બજારમાં ઉપલબ્ધ અલગ અલગ ચાર પ્રકારની દવાઓના કોમ્બિનેશનો ઉપયોગ થાય છે.જેમાં એન્ટિ બાયોટિક પણ છે.કેટલાક કિસ્સામાં આ દવાઓ સામે પણ ટીબીના બેક્ટેરિયા પ્રતિકાર કરવાની ક્ષમતા કેળવી લેતા હોય છે અને તે વખતે દર્દીને તેના કરતા વધારે  અસરકારક દવા આપવામાં આવે છે.પરંતુ આ દવાઓની શરીરના બીજા અંગો પર અને ખાસ કરીને કિડની અને લિવર પર આડઅસર થાય છે.

ડો.મુરુમકર કહે છે કે, નવી દવા ડેવપલ કરવા માટે અમે લગભગ બે લાખ કમ્પાઉન્ડો( સંયોજનો)નો અભ્યાસ કર્યો હતો અને તેમાંથી અમને પાયરાઝોલોપિરામિડિનાઈન નામનુ એવુ કમ્પાઉન્ડ મળ્યું છે જે  ટીબીની દવા તરીકે કામ કરવાની સાથે સાથે શરીરના બીજા અંગોને નુકસાન પણ નથી પહોંચાડતું.જેની અમે લેબોરેટરીમાં અને એ પછી કોમ્પ્યુટર સિમ્યુલેશનની મદદથી ચકાસણી કરી છે અને તેના સારા પરિણામ મળ્યા છે.આ સંશોધનને અમે કોઈ દવા કંપનીની મદદથી ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજ સુધી પહોંચાડવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે.

કેવી રીતે આડઅસર દૂર કરે છે નવી દવા 

નવી દવા કેવી રીતે આડઅસર નહીવત કરી દે છે ? તેવા સવાલના જવાબમાં ડો.મુરુમકરનુ કહેવું છે કે,  ટીબીના બેક્ટેરિયામાં રહેલું  ડીપીઆરઈ૧ નામનું એન્ઝાઈમ(ઉત્સેચક) શરીરમાં દવાની આડઅસર માટે જવાબદાર  છે.અમે શોધેવી નવી દવા ટીબીના બેક્ટેરિયામાં રહેલા આ એન્ઝાઈમને બ્લોક કરી દે છે અને તેની સાથે સાથે શરીરના નોર્મલ સેલને પણ અકબંધ રાખે છે.આમ જેના કારણે દવાની લિવર અને કિડની જેવા અંગો પર આડઅસર થવાની શક્યતા સાવ ઘટી જાય છે.

ભારતમાં દર વર્ષે ૨૦ લાખ કરતા વધારે લોકોને ટીબી થાય છે 

દુનિયામાં ટીબીના કુલ કેસમાંથી ૨૦ ટકા કેસ ભારતમાં નોંધાય છે.ટીબીથી દુનિયામાં જેટલા લોકોના મોત થાય છે તે પૈકી ૩૮ ટકા મોત ભારતમાં થાય છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અનુમાન પ્રમાણે ભારતમાં દર વર્ષે ૨૦ લાખ જેટલા લોકોને ટીબી થાય છે અને ૨.૮૦ લાખ લોકોના તેના કારણે મોત થાય છે.સરકારે એક વર્ષમાં ભારતમાંથી ટીબીની બીમારીનો ખાતમો કરવાની જાહેરાત કરી છે.




Google NewsGoogle News