તારાપુરમાં નશો કરી સિરપની ખાલી બોટલો જાહેરમાં ફેંકતા નશાખોરો
બિલોદરા જેવી ઘટના તાલુકામાં બનવાની આશંકા
રેલવે સ્ટેશન રોડ, શાળાની પાછળની બાજુ અને ગામમાં ખુલ્લેઆમ નશીલા સિરપોની બોટલોનો ઢગલો
તારાપુર: બિલોદરા બાદ તારાપુરમાં પણ સીરપકાંડની સંભાવના જોવા મળી રહી હોય તેમ તારાપુર શહેર અને તાલુકાના ગામડાઓમાં ખુલ્લેઆમ નશીલા સીરપો વેચાય છે. ત્યારે શહેરનાં મેડિકલ સ્ટોર્સ અને છુપા સ્થાનોની ઊંડી તપાસ જરૂરી બની છે.
ખેડા જિલ્લાના નડિયાદના બિલોદરા અને મહુધાના બગડુ ગામે બુધવારે છ લોકોએ આયુર્વેદિક નસીલું પીણું પીધા બાદ તબિયત લથડ્યા બાદ પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોવાનું જાણવા મળે છે. ત્યારે તારાપુર શહેરના રેલવે સ્ટેશન રોડ, સોમનાથ મહાદેવ મંદિર સામેના રસ્તા પર, તારાપુર શાળાની પાછળની બાજુએ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આયુર્વેદિક નસીલા સીરપની ખાલી બોટલો પડેલી નજરે પડે છે. ત્યારે યુવાનો સાદી સોડાની બોટલમાં સીરપ ભેળવી નશો કરી નશાના રવાડે ચડી રહ્યા છે. ડ્રગ વિભાગ અને સ્થાનિક પોલીસની રહેમ નજર તળે નશાકારક સીરપનો ધંધો ફૂલ્યો ફાલ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
તારાપુર સરકારી હોસ્પિટલ નજીક આવેલી શાળાઓની આસપાસ, શહેરના મેડિકલ સ્ટોર્સ સહિત તાલુકાના ગામડાઓમાં બેરોકટોક આયુર્વેદિક તથા નશાકારક સીરપનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. શાળાઓ નજીકથી જ સરળતાથી મળતી નશાકારક સીરપને લઈ શાળાનાં વિદ્યાર્થીઓ નશો કરતા હોવાનું જાણવા મળે છે.
તારાપુરમાં વેચાઈ રહેલ નશાકાર સીરપ બાદ આયુર્વેદિક ટોનિકનો પણ વ્યાપાર ફૂલ્યો ફાલ્યો હોવાનું જાણવા મળે છે. તારાપુર શહેરમાં પણ અલગ અલગ બ્રાન્ડમાં ટોનિકની બોટલો વેચાતી હોવાનું સામે આવ્યું છે. શહેરના ઘણા ખરા મેડિકલ સ્ટોર પર હાલ આવા ટોનિક પણ વેચાઈ રહ્યા હોવાનું અને જેની કોઈ પણ પ્રકારની તકેદારી લેવામાં આવતી નહીં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક મહિનાઓ પહેલાં તારાપુર પોલીસે તારાપુરના સીમ વિસ્તારના ખેતરમાં ડાંગરના ગંઠા નીચે સંતાડેલી ૭૨,૦૩૦ રૂપિયાની ૪૯૦ બોટલ નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે તંત્ર જાગે અને વધુ તપાસ હાથ ધરે તેવી માગ ઉઠી છે.