બોચાસણ બ્રિજ પાસે ડિવાઈડર સાથે ટુવ્હીલર અથડાતા ચાલકનું મોત
બોચાસણના ટુવ્હીલર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો
આણંદ: વાસદ-બગોદરા હાઈવે માર્ગ ઉપર બોચાસણ બ્રીજ નજીક બુધવારે સાંજે પુરપાટ ઝડપે જઈ રહેલા એક એક્ટિવા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા એક્ટિવા બ્રીજ પરના ડીવાઈડર સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યું હતું.
બોચાસણ ગામે પરબડી પાસે રહેતા રાકેશભાઈ ઠાકોરભાઈ પટેલ બુધવારે એક્ટીવા પર સવાર થઈ સમીસાંજે વાસદ બગોદરા હાઈવે ઉપર આવેલા બોચાસણ ગામના બ્રીજ નજીકથી પસાર થઈ રહ્યા હતા.
દરમિયાન તેઓએ પોતાનું એક્ટીવા પુરઝડપે હંકારતા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને એક્ટીવા ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં રાકેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને રાકેશભાઈને સારવાર અર્થે બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.