એક્સપ્રેસ હાઇવે પર પાર્ક વાહનમાં ટેન્કર ઘુસી જતા ડ્રાઇવરનું મોત
કોઇ પણ પ્રકારના સિગ્નલ વગર વાહન ઉભું કરી દેનાર વાહન ચાલકની શોધખોળ
વડોદરા, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર પાર્ક કરેલા વાહનમાં પાછળથી ટેન્કર ઘુસી જતા ટેન્કર ચાલકને ગંભીર ઇજા થઇ હતી. ડ્રાઇવરને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. એક્સપ્રેસ હાઇવે પર કોઇપણ સિગ્નલ વગર વાહન ઉભું કરી દેનાર વાહન ચાલકની મંજુસર પોલીસે શોધખોળ હાથ ધરી છે.
યુ.પી.ના આજમગઢ કેડાલીપુરમાં રહેતો શિવલાલ શ્રીકાંતભાઇ યાદવ (ઉ.વ.૨૮)ને ડ્રાઇવિંગ કરે છે. ગઇકાલે રાતે તે કંપનીનું ટેન્કર લઇને અમદાવાદથી મુંબઇ તરફ જતો હતો. તે દરમિયાન રાતે પોણા દશ વાગ્યે વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઇવે પહેલા ટોલનાકાથી દોઢ કિલોમીટરના અંતરે આગળ એક વાહના પાર્ક કરેલું હતું. વાહન ચાલકે કોઇ સિગ્નલ રાખ્યું નહતું. જેથી, શિવલાલને આગળ ઉભેલા વાહનની ખબર નહીં પડતા તે પાછળથી ધડાકાભેર અથડાઇ ગયો હતો. શિવલાલને ગંભીર ઇજા થઇ હતી. તેણે પત્નીને ફોન કરીને જાણ કરી હતી કે, અકસ્માતમાં મને ગંભીર ઇજા થઇ છે. મારા બચવાના ચાન્સ નથી. જેથી, તમે વડોદરા આવો. પત્નીએ આ અંગે જેઠને જાણ કરતા તેઓ તાત્કાલિક વડોદરા દોડી ગયા હતા. પરંતુ, ઇજાગ્રસ્ત શિવલાલને સયાજીમાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. મંજુસર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, વાહન ચાલકો ટોલનાકું પસાર કર્યા પછી રોડ પર પોતાના વાહનો ઉભા કરી દેતા હોય છે. એક્સપ્રેસ હાઇવે પર વાહન ઉભા રાખવાની મનાઇ હોવાછતાંય વાહનો ઉભા થઇ જતા હોય છે. જેના કારણે ગંભીર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે.