દિલ્હી - મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં ડ્રાઇવર ક્લિનરના મોત
ટેમ્પાનું ફાટેલું ટાયર બદલતા હતા તે સમયે પાછળથી આવતા ટેમ્પાએ ટક્કર મારતા અકસ્માત
વડોદરા,દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર ટેમ્પાનું ફાટેલું ટાયર બદલતા સમયે પાછળથી આવતા અન્ય એક ટેમ્પાએ ટક્કર મારતા ડ્રાઇવર અને ક્લિનરના મોત થયા હતા. જ્યારે અન્ય બે ને ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ભાવનગરના ઘોઘા તાલુકાના લાખણકા ગામે રહેતા ભરતભાઇ ઝવેરભાઇ લાઠિયા ડ્રાઇવિંગ કરે છે. તેઓ નોંધાવણદર ટ્રાન્સપોર્ટમાં છેલ્લા અઢાર વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત તા. ૭ મી એ સાંજે તે ટ્રાન્સપોર્ટની ગાડીમાં ક્લિનર રાજુ કેશુભાઇ ગોહિલ સાથે તથા ટ્રાન્સપોર્ટની અન્ય ગાડી લઇને ડ્રાઇવર જીતેન્દ્રસિંહ જશુભા ગોહિલ ક્લિનર ઘુઘાભાઇ પોપટભાઇ ઉમટ ભાવનગરથી પાર્સલનો સામાન લઇને સુરત જવા માટે નીકળ્યા હતા.સવારે ચાર વાગ્યે દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કરજણ તાલુકાના હાંડોદ ગામે આવતા જીતેન્દ્રસિંહની ગાડીનું ટાયર ફાટયું હતું. જેથી, બંને ગાડીઓ ઉભી રાખી હતી. તેઓ ટાયર બદલતા હતા. તે સમયે વડોદરા તરફથી આવતા એક આયશર ટેમ્પાએ ટક્કર મારતા જેક ચડાવતા જીતેન્દ્રસિંહ જશુભા ગોહિલ નીચે ચગદાઇ ગયા હતા. જ્યારે ક્લિનર ઘુઘાભાઇને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. ડ્રાઇવર જીતેન્દ્રસિંહને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ,તેઓનું પણ મોત થયું હતું. જ્યારે અન્ય એક ક્લિનર રાજુભાઇ ગોહિલ તથા અકસ્માત કરનાર આયશરના ક્લિનર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.