પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની હજુ તકલીફ ચાલુ
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ હજુ લોકો વેઠી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ ભરવા માટે પાણીની 272 ટેન્કર ઠાલવવા માટે તંત્ર એ ત્રણ દિવસ સુધી દોડાદોડી કરી હતી. બે દિવસ પહેલા કોર્પોરેશનમા સમગ્ર સભા મુલતવી રખાયા બાદ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન સમક્ષ વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર દ્વારા પાણી પ્રશ્ન રજૂઆત કરી હતી .તેમનું કહેવું હતું કે પૂર્વ વિસ્તારને પાણી આપતી નાલંદા ટાંકીમાં અંડરગ્રાઉન્ડ સંપ નું લેવલ જળવાતું નથી. નાલંદા ટાંકીમાં જ પાણી પૂરતું આવતું ન હોવાથી સ્વીમીંગ પુલ ભરવા ટેન્કરોનો સહારો લેવો પડ્યો હતો. નાલંદા ટાંકી માંથી સવારના ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવે છે, એ પાણી રાતના સમયે આજવા સરોવરથી સંપમાં મળેલું હોય છે. જ્યારે આ જ ટાંકીમાંથી સાંજના ઝોનમાં જે પાણી આવે છે તે મહી નદી સ્થિત રાયકા દોડકાથી મળે છે . રાયકા દોડકાથી પાણી મેળવતી નાલંદા ટાંકી સૌથી છેલ્લી છે. એ પૂર્વે રસ્તામાં લગભગ 10 ટાંકી ને રાયકા દોડકાનું પાણી અપાય છે, એટલે કે તેના વાલ્વ ખુલ્લા હોય છે. પરિણામ એ આવે છે કે નાલંદા ટાંકી સુધી પાણીનું જે 750 નું ફોર્સનું લેવલ જાળવવું જોઈએ તે જળવાતું નથી, અને પાણી પૂરતું સંપમાં ભરાતું નથી .જોવાની ખૂબી એ છે કે આ વાલ્વ એટલે કે ફલોમીટર ઓનલાઇન જોઈ શકાય છે, અને કઈ ટાંકીનો વાલ્વ ખુલ્લો છે તે જાણી શકાય છે, પરંતુ અધિકારીઓ તે બંધ કરવાનું કોઈને કહી શકતા નથી. કારણ કે જે તે વિસ્તારના કોર્પોરેટર જ બૂમાબૂમ કરી દે છે.
નાલંદા ટાંકી ખાતેથી સવારના ઝોનમાં પાણી વિતરણ નું ભારણ ખૂબ રહે છે, કારણ કે વોર્ડ નંબર 16 નો 30 ટકા વિસ્તાર પણ આ ટાંકી હેઠળ આવી જાય છે. સવારના ઝોન માટે સંપમાં 17 ફૂટ નું લેવલ હોવું જોઈએ જ્યારે સાંજના ઝોનમાં 50000 થી વધુ વસ્તીને પાણી આપવા 15 ફૂટનું લેવલ હોવું જોઈએ જે જળવાતું જ નથી. અત્યાર સુધી આ લેવલ માંડ 13 ફૂટ થતું હતું. પરંતુ હવે એકાદ દિવસથી 14 ફૂટ થયું છે. તંત્ર વધુ ટ્યુબવેલ ચાલુ કરીને 10 થી 15 એમએલડી પાણી આપવા માંગે છે. જરૂર પડે તો નર્મદા કેનાલ માંથી પણ પાણી લેવા વિચારે છે .જોકે ટ્યુબવેલ થી અથવા તો નર્મદાનું પાણી લેવું કોર્પોરેશન માટે આર્થિક બોજા સમાન રહેશે, કારણ કે આ પાણી મફત મળવાનું નથી. 272 ટેન્કર પાણી સ્વિમિંગ પૂલમાં ઠાલવ્યું તે મુદ્દે સ્ટેન્ડિંગના ચેરમેન કહે છે કે લોકોની ડિમાન્ડ મુજબ આ કામ કરાયું છે. રોજ ટેન્કરો ઠાલવવાની જરૂર નથી પડવાની. એક વખત ભરાઈ ગયા બાદ પાણી રિસાયકલ થયા કરવાનું છે. સ્વિમિંગ પૂલ ભરવા માટે પૂર્વ વિસ્તારમાંથી પાણી નથી લીધું. નાલંદા ટાંકીમાં અંડર ગ્રાઉન્ડ સંપનું લેવલ મેન્ટેન નહીં થતું હોવાની જે ફરિયાદ છે તે અંગે નવા ટ્યુબવેલ બનાવીને પણ લેવલ જાળવવા પાણી વધુ લેવામાં આવશે.