વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરી ગયાને પાંચ દિવસ થયા છતાં પીવાના પાણીના ધાંધિયા
Vadodara Flooding : વડોદરા શહેરમાં પૂર આવ્યા તે અગાઉથી પાલિકા તંત્રએ અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ કર્યો હતો. જે આજે સતત પાંચમા દિવસે હજુ પૂર્વવત કરી શકાયો નથી. આમ હવે પાલિકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પાણી પુરવઠા અધિકારીઓ અને પદાધિકારીઓ પાણી જેવી પ્રાથમિક સુવિધા ખરા સમયે નાગરિકોને આપવામાં નિષ્ફળ સાબિત થયા હોવાનું ફલિત રહ્યું છે. તો બીજી તરફ તેઓ હવે આ માટે મહીસાગર નદીના પાણીમાં ટર્બીડીટી વધી ગઈ હોવાનું કારણ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યાના 48 કલાક બાદ પણ ફતેગંજના અનેક વિસ્તારોમાં ગેસ પુરવઠો હજુ ઠપ્પ
વડોદરામાં રવિવારથી સતત એક ધારો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ થયો હતો. આ વચ્ચે સોમવારના રોજ વિવિધ નદીની ઉપર આવેલા ડેમના દરવાજા ખોલી પાણી છોડાતા અનેક નદીઓની જળ સપાટી વધી હતી.
વડોદરામાં પણ પૂરના પાણી ફરી વળે તે અગાઉ સોમવાર સાંજથી જ ઘણા વિસ્તારોમાં પાલિકા તંત્રએ નાગરિકોને પાણી વિતરણ બંધ કરી દીધું છે. પૂરના પાણી ઓસર્યા પછી પણ સતત ચાર દિવસથી પીવાનું પાણી તંત્ર આપી શક્યું નથી. એક તરફ નાગરિકો બેથી ત્રણ દિવસ સુધી વીજળી વિના હતા ત્યારે બીજી તરફ અનેક નાગરિકો પાણી વિના હજુ પણ તડફડી રહ્યા છે. તેઓને પીવા માટે વેચાતું પાણી લાવવું પડે છે પરંતુ દૈનિક ક્રિયા માટે પણ પાણી વિના ખૂબ હાલાકી વેઠી રહ્યા છે.
આ પણ વાંચો : વડોદરામાં વરસાદ કરતાં પૂરે ભારે ખાનાખરાબી સર્જીઃ હેરાન થતાં લોકોએ ઘર વેચવાનું મન મનાવી લીધું
ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, ઉપરવાસમાં થયેલ અતિશય વરસાદ અને પૂરની પરિસ્થિતિના કારણે મહીસાગર નદીના પાણીમાં ટર્બીડીટી વધી ગઈ છે અને પંપો ચોકઅપ થઈ ગયા છે. જેથી પાણી વિતરણ થઈ શકતું નથી. તેમ છતાં મેં અધિકારીઓને શક્ય તેટલું ઝડપથી પાણી વિતરણ થાય તે પ્રકારનું આયોજન કરવાની સૂચના આપી છે.