ભર ચોમાસે પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા : રોજની ૭૦ ટેન્કર દોડાવાય છે
પૂર્વ વિસ્તારના લોકોને પૂરતું પાણી આપવામાં કોર્પોરેશનનું તંત્ર જ પાણીમાં બેસી ગયું
વડોદરા,શહેરમાં પડેલા ધોધમાર વરસાદ અને ત્યારબાદ વિશ્વામિત્રી નદીના પૂરના કારણે શહેરીજનો ત્રસ્ત થઇ ગયા છે. પરંતુ, વડોદરાના નાગરિકો માટે પાણીની સમસ્યા ઓછી થવાનું નામ જ લેતી નથી. હજી ચોમાસુ ચાલી રહ્યું છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની તંગી સર્જાઇ છે. રોજના અંદાજે ૭૦ જેટલા ટેન્કરો સોસાયટીમાં મોકલી પીવાનું પાણી પૂરૃં પાડવામાં આવી રહ્યું છે. પાણીના મામલે કોર્પોરેશનનું તંત્ર ખુદ પાણીમાં બેસી ગયું છે.
વડોદરા શહેરને પીવાનું પાણી પૂરૃં પાડતા આજવા સરોવરને ૧૩૦ વર્ષ થયા છે. હજી પણ આજવા સરોવરનું પાણી સમગ્ર પૂર્વ વિસ્તારના નાગરિકોને આખું વર્ષ પૂરૃં પાડે છે. વગર ઇલેક્ટ્રિસિટીએ પાણી વડોદરા શહેરમાં આવે છે. પરંતુ, છેલ્લા ૩૦ વર્ષોમાં પૂર્વ વિસ્તારમાં સોસાયટીઓ અને એપાર્ટમેન્ટની સંખ્યામાં ભારે ઉછાળો થયો છે. કોર્પોરેશનના શાસકો દ્વારા તેનો કોઇ પર્યાય બનાવવામાં આવ્યો નથી. જેના કારણે પૂર્વ વિસ્તારમાં હવે ચોમાસામાં પણ પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. હજી પૂર અને વરસાદી પાણીના ભરાવાથી સર્જાયેલા ભયાનક દ્રશ્યો ભૂલાયા નથી. તેવા સંજોગોમાં પૂર્વ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા શરૃ થઇ ગઇ છે. પૂર્વ વિસ્તારમાં હાલમાં અંદાજે ૭૦ જેટલા ટેન્કરોથી પીવાનું પાણી પૂરૃં પાડવામાં આવી રહ્યું છે.
કેટલાક ઘરોમાં તો ગ્રાઉન્ડ ફ્લોર પર પણ કોર્પોરેશનનું પાણી આવતું નથી. લોકો અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ભરે છે અને ત્યાંથી મોટર વડે ઓવર હેડ ટાંકીમાં પાણી ભરવામાં આવે છે. આવી પરિસ્થિતિના નિર્માણ પાછળ કોર્પોરેશનના શાસકોની દૂરંદેશીનો અભાવ કારણભૂત છે.