વડોદરામાં 6.30 મીટરની ઊંડાઈએ ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજની કામગીરી કરાશે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
વડોદરામાં 6.30 મીટરની ઊંડાઈએ ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજની કામગીરી કરાશે 1 - image


- કામગીરી પૂર્ણ થતા 20,000 ઘરનો ડ્રેનેજનો પ્રશ્ન હલ થશે

- 89.70 લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું 

વડોદરા,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર

વડોદરામાં સંગમ ચાર રસ્તાથી માણેક પાર્ક સર્કલ તરફ જતા મીરાં સોસાયટી જંક્શન પાસે ટ્રેન્ચલેસ પધ્ધ્તીથી ડ્રેનેજ લાઇન રૂપિયા 89.70 લાખના ખર્ચે નાખવામાં આવશે. આ કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સંગમ ચાર રસ્તાથી માણેકપાર્ક ચાર રસ્તા તરફ જતા મુખ્ય રસ્તે મીરાં સોસાયટી જંક્શન પાસે રણછોડ પાર્ક સોસાયટીથી સાનિયાનગર અને માનવ સોસાયટી થઇ ઇન્દ્રપુરી ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન એટલે કે એ.પી.એસ.માં હાલમાં જુની ડ્રેનેજ લાઇન જાય છે.

આ એ.પી.એસ.માં જતી લાઇન પર મીરાં સોસાયટી જંક્શન પાસે અંદાજે 6.30 મીટરની ઉંડાઇમાં મશીનહોલ અને લાઇન ભંગાણ થયેલ છે અને લાઇન બંધ થઇ ગયેલ હોવા બાબતે વહીવટી વોર્ડ નં.7 ધ્વારા અગાઉ જાણ કરવામાં આવી હતી. જેથી સ્થળ સર્વે કરતાં આ જગ્યા પર ડ્રેનેજ લાઇન કાર્યરત ન હોવાનું જણાઇ આવેલ હતું. ડ્રેનેજ લાઇન બંધ હોવાથી હાલમાં ડ્રેનેજ ઓવરફ્લો પર ચાલી રહેલ છે. આ સ્થળે વરસાદી ગટર, ગેસ લાઇન તેમજ પાણીની લાઇનો આવેલ છે અને ડ્રેનેજ લાઇન મકાનો પાસેથી પસાર થાય છે. વિસ્તારમાં વોટર ટેબલ ઊંચુ છે તેમજ નવો રોડ બનેલ હોવાથી મીરાં સોસાયટી જંક્શન પાસેથી આશરે 30 થી 35 મીટરના અંતરે સીંકીંગ ચેમ્બર ઉતારી 914 મી.મી. વ્યાસના પાઇપથી આશરે 103 રનીંગ મીટર જેટલી લંબાઇમાં મેન્યુઅલ પુશીંગ પધ્ધતિથી 450 મી.મી. વ્યાસના આર.સી.સી. પાઇપો નાંખી કુમારપાર્ક સોસાયટી પાસે આવેલ હયાત મશીનહોલ સાથે જોડાણ કરવાના કામનો પણ ખર્ચના અંદાજમાં સમાવેશ કરેલ છે. આ કામગીરીની મર્યાદા ચોમાસાને બાદ કરતા છ મહિનાની રહેશે. આ કાર્ય પૂર્ણ થતાં આશરે વીસ હજાર ઘરની ડ્રેનેજની સમસ્યા હલ થશે આ કામનો ખર્ચ પ્રોફેશનલ ટેક્ષની ગ્રાંટ વર્ષ 2022-24 પેટે કરવામાં આવશે.


Google NewsGoogle News