Get The App

વડોદરા કોર્પોરેશનની હદમાં જોડાયેલા વડદલા અને તરસાલીમાં 9.24 કરોડના ખર્ચે ડ્રેનેજનું નેટવર્ક ઊભું કરાશે

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનની હદમાં જોડાયેલા વડદલા અને તરસાલીમાં 9.24 કરોડના ખર્ચે ડ્રેનેજનું નેટવર્ક ઊભું કરાશે 1 - image


- બંને વિસ્તાર મળીને આશરે 5 કિ.મી લંબાઈમાં ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નખાશે

વડોદરા,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા સમાવેલા વડદલા ટી.પી.58 વિસ્તાર તેમજ તરસાલી વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા વધારવા માટે ડ્રેનેજ ગ્રેવિટી નેટવર્કની કામગીરી 9.24 કરોડના ખર્ચે કરવામાં આવશે અને આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં બે દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. વડોદરા શહેરના દક્ષિણ ઝોનના વડદલા ગામનો 3.73 ચો. કિ.મી. વિસ્તારનો સમાવેશ કોર્પોરેશનની હદમાં નવીન સમાવિષ્ટ વિસ્તાર તરીકે કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં હાલ ડ્રેનેજ નેટવર્કની સુયોજીત સુવિધા ન હોવાના કારણે વિસ્તારનાં સુવેઝ નિકાલની વ્યવસ્થા કરવી જરૂરી છે. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વડદલા વિસ્તારમાં ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 58નો ડ્રાફ્ટ બનાવી મંજુરીની કાર્યવાહી પ્રગતિમાં છે. જેથી વડદલા ટી.પી. 58 અને તરસાલી હાઇવે પછીના વિસ્તાર ટી.પી. 52 માં ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંયુક્ત રીતે આયોજન કરી કામગીરી કરવી જરૂરી છે. વડદલા ગામ તળાવ તરફથી નેશનલ હાઇવે સુધી તથા ધનિયાવી રોડ આદર્શ નગરથી નેશનલ હાઇવે સુધી કુલ 3.10 કી.મી. લંબાઇ ની ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવામાં આવશે. આ માટે 4.50 કરોડનો ખર્ચ થશે.

વડોદરા શહેરના દક્ષિણ ઝોનના તરસાલી હાઇવે પછીનો 2.644 ચો. કિ.મી. વિસ્તારનો સમાવેશ કોર્પોરેશનની હદમાં નવીન સમાવિષ્ટ વિસ્તાર તરીકે કરવામાં આવેલ છે. નેશનલ હાઇવે ને સમાંતર તરસાલી વિસ્તારમાં આયોજન હેઠળના નવીન સુચિત તરસાલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી કુલ 1.79 કિ.મી. લંબાઇમાં ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવામાં આવશે. આ માટે 4.74 કરોડનો ખર્ચ થશે.


Google NewsGoogle News