કોર્પોરેશને નક્કી કરેલા દર મુજબ વુડા વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ માટે ચાર્જિસ વસૂલવામાં આવશે
મેન્ટેનન્સ, જોડાણ માટે વુડા દ્વારા વધારાના વહીવટી સ્ટાફની પણ નિમણૂંક કરાશે
વડોદરા, તા.27 વુડા વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ પાણી પુરવઠા અને ડ્રેનેજ યોજનાઓમાં વપરાશકારોને પાણી તેમજ ડ્રેનેજના જોડાણો આપવા, મરામત અને નિભાવણી માટે વપરાશકારો પાસે હવે કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલી નીતિ તેમજ ચાર્જ પ્રમાણે વસૂલાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની આસપાસ વુડા વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમોમાં રહેણાંક તેમજ વાણિજ્ય વિકાસને ધ્યાનમાં રાખીને નાગરિક સુવિદ્યાઓના કામો પૈકી વુડા દ્વારા વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક, સુવેઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) તેમજ પાણી પુરવઠા યોજનાઓની કામગીરી કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ મારફત ૩ એમએલડી પાણી માટે પાણી પુરવઠા નેટવર્ક તૈયાર કરી પાણી પુરવઠા યોજના કાર્યરત કરવામાં આવી છે અને ડ્રેનેજ સુવિદ્યા પણ શરૃ કરાઇ છે.
વુડાના કેટલાંક વિસ્તારોમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ યોજનાની કામગીરી હાલ ચાલી રહી છે. આ માટે ચાર્જિસ નક્કી કરવા માટે ઘણા સમયથી વુડામાં વિચારણા ચાલતી હતી. દરમિયાન આજે મળેલી બોર્ડ બેઠકમાં પાણી તેમજ ડ્રેનેજ જોડાણ આપવા માટેની પ્રક્રિયા અને વાર્ષિક મેન્ટેન્સ તેમજ જોડાણ ચાર્જની વસૂલાત માટેનો મુદ્દો મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલા નીતિ નિયમો તેમજ ચાર્જ મુજબ વસૂલાત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે વુડા દ્વારા આઉટસોર્સિગથી જરૃરિયાત મુજબ વહીવટી સ્ટાફની નિમણૂંક પણ કરાશે.