વડોદરામાં ચાલતી ડબલ ડેકર બસો પાંચ વર્ષ પહેલા બંધ કરી દેવાઈ
વડોદરાઃ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના રુટ પર ડબલ ડેકર બસ સેવા શરુ કરવામાં આવી છે.એએમટીએસ દ્વારા પણ લોકોમાં આકર્ષણ ઉભુ કરવા માટે ત્રણ દાયકા બાદ ફેબુ્રઆરી મહિનામાં નવી ૭ સાત ડબલ ડેકર બસો ખરીદીને તેને વાસણાથી આશ્રમ વિસ્તારના રુટ પર દોડાવવાનુ શરુ કરાયુ છે.બીજી તરફ વડોદરામાં પહેલેથી ચાલી રહેલી ડબલ ડેકર બસ સેવા પાંચ વર્ષ પહેલા બંધ થઈ ગઈ હતી.આ ડબલ ડેકર બસો આજે પણ ધૂળ ખાઈ રહી છે.નજીકના ભવિષ્યમાં પણ વડોદરાના લોકોને ડબલ ડેકર બસની મુસાફરી કરવાનો મોકો મળે તેવી શક્યતા ઓછી છે.
ડબલ ડેકર બસો વડોદરાની આગવી ઓળખ રહી છે.વડોદરાની જૂની પેઢીને ૮૦ અને ૯૦ના દાયકામાં શહેરના રસ્તાઓ પર દોડતી ડબલ ડેકર બસો અને તેમાં કરેલી મુસાફરીના અનુભવો હજી પણ યાદ છે.૧૯૯૫ બાદ ડબલ ડેકર સેવા બંધ થઈ ગઈ હતી.એ પછી વડોદરા કોર્પોરેશને ૨૦૦૮માં વીટકોસ કંપનીને જ્યારે વડોદરામાં બસ સર્વિસ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે વડોદરાના રસ્તા પર ગણીને આઠ થી દસ સીટી બસો દોડી રહી હતી.
વીટકોસના વડોદરાના સંચાલક નરેન્દ્રસિંહ રાણા કહે છે કે, ૨૦૦૯માં અમે ફરી એક વખત ડબલ ડેકર બસ સેવા શરુ કરી હતી.સ્ટેશનથી તરસાલી અને સોમા તળાવ એમ બે રુટો પર ત્રણ ડબલ ડેકર બસ દોડાવવાનુ શરુ કરાયુ હતુ.જેને વડોદરાના લોકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.જોકે ફતેગંજ સહિતના બ્રિજોના કારણે ડબલ ડેકર સેવા ૨૦૧૭માં અમે બંધ કરી હતી.
વડોદરામાં અત્યારે ૧૫૦ જેટલી બસો દોડાવવામાં આવી રહી છે તો પછી કેમ ફરી ડબલ ડેકર બસની સુવિધા લોકોને નથી મળી રહી?..તેવા સવાલના જવાબમાં નરેન્દ્રસિંહ રાણાનુ કહેવુ છે કે, અમે જે ડબલ ડેકર દોડાવતા હતા તેની આવરદા પૂરી થઈ ગઈ હોવાથી હવે તેને ચલાવી શકાય તેમ નથી.ઉપરાંત ડબલ ડેકરના રુટ પર ઘણી જગ્યાએ આડેધડ કેબલો અને વાયરો પણ પસાર થઈ રહ્યા છે.જે પહેલા દૂર કરવા પડે તેમ છે.ઉપરાંત નવી ડબલ ડેકર બસ ખરીદવાનુ જોખમ અમે અત્યારે લેવા માંગતા નથી.કારણકે દરેક ડબલ ડેકર બસની કિંમત ૪૫ લાખ રુપિયા સુધીની થવા જાય છે.
તેમનુ માનવુ છે કે, વડોદરામાં જો કોર્પોરેશન ઈચ્છે તો લોકોને અને પ્રવાસીઓને આકર્ષવા માટે ફરી ડબલ ડેકર બસ સેવા શરુ કરી શકાય તેમ છે અને હવે તો સ્ટેશનથી તરસાલી, સોમા તળાવ ઉપરાંત દુમાડ ચોકડી અને અટલાદરા સુધી એમ ચાર રુટ પર ડબલ ડેકર દોડી શકે તેમ છે.
બર્થ ડે પાર્ટી યોજવા માટે ડબલ ડેકર બસો લોકપ્રિય થઈ હતી
૨૦૦૯ થી ૨૦૧૭ વચ્ચે વડોદરામાં ડબલ ડેકર બસ સેવા લોકોમાં લોકપ્રિય પૂરવાર થઈ હતી.લોકો ડબલ ડેકર બસમાં ઉપરના માળે બેસીને મુસાફરી કરવા માટે કાર હોવા છતા ખાસ આવતા હતા.બર્થ ડે પાર્ટી માટે આ બસો લોકપ્રિય થઈ હતી.જેમાં ઉપરના ફ્લોરનુ દોઢેક કલાક માટે ૬૦૦ રુપિયા ભાડુ લેવાતુ હતુ અને તેના બદલામાં ૧૫ થી ૨૦ લોકો ચાલતી બસમાં કેક કાપવાની સાથે બર્થ ડે સેલિબ્રેટ કરતા હતા.ડબલ ડેકર બસો ચાલી ત્યાં સુધી દર મહિને બે થી ત્રણ બર્થ ડે પાર્ટી ડબલ ડેકર બસો પર યોજાતી હતી.નાના બાળકો પણ મુસાફરીનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં આવતા હતા.
કયા બે રુટ પર ડબલ ડેકર બસનુ સંચાલન થતુ હતુ
તરસાલી રુટ
સ્ટેશનથી કાલાઘોડા, જેલ રોડ, પેલેસ રોડ, લાલબાગ બ્રીજ, મકરપુરા પોલીસ સ્ટેશન થઈને તરસાલી
સોમા તળાવ રુટ
સ્ટેશનથી ફતેગંજ થઈને અમિત નગર ચાર રસ્તા, એરપોર્ટ સર્કલથી ખોડિયાર નગર થઈને સરદાર એસ્ટેટથી સોમા તળાવ
એક ડબલ ડેકર બસમા ૧૦૦ લોકો મુસાફરી કરી શકે છે
વીટકોસના સંચાલક કહે છે કે પરંપરાગત બસમાં માંડ પચાસ લોકો મુસાફરી કરી શકે છે જ્યારે ડબલ ડેકરનો ફાયદો એ છે કે, બે ફ્લોર પર બેસીને અને ઉભા ઉભા ગણતરી કરવામાં આવે તો ૧૦૦ જેટલા લોકો મુસાફરી કરી શકે છે.આમ તેના કારણે ટ્રાફિક ઓછો થઈ શકે છે.જોકે તેના સંચાલનનો ખર્ચ વધારે આવે છે.કારણકે ડબલ ડેકર બસ પ્રતિ લીડર માંડ બે થી ત્રણ કિલોમીટરનુ એવરેજ આપે છે અને બસમાં બે કન્ડકટર રાખવા પડે છે.