હરીનગરમાં ત્રણ બાળકી સહિત ચાર વ્યક્તિ પર કૂતરાનો હુમલો
વરણામામાં મંદિર પાસે રમતી એક વર્ષની બાળકીને કૂતરાએ બચકા ભરતા ગંભીર
વડોદરા, તા.19 શહેર અને જિલ્લામાં રસ્તે રખડતા શ્વાનોના આતંકનો ભોગ ચાર માસૂમ બાળકી સહિત પાંચ વ્યક્તિ બનતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. શહેરના હરીનગર વિસ્તારમાં એકસાથે ચારને કૂતરાએ બચકા ભર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોત્રી હરીનગર બ્રિજ પાસે રહેતા મીનાબેન (ઉ.વ.૨૪), વર્ષા (ઉ.વ.૧૨), વૈશાલી (ઉ.વ.૭) અને નિરાલી (ઉ.વ.૯)ને બપોરે રસ્તે રખડતા કૂતરાએ આવીને બચકા ભરી લીધા હતા. એક જ વિસ્તારમાં ત્રણ બાળકી અને એક મહિલાને કૂતરાએ બચકા ભરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. કૂતરાએ બચકા ભરતા બાળકીઓ સહિત તમામ ચારેયે બૂમાબૂમ કરતા સ્થાનિક રહીશો મદદ માટે દોડી આવીને ચારેયને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ઈમ્યુનોગ્લોબ્યુલાઈન માટે ખસેડાયા હતા. સરકાર સંચાલિત ગોત્રી હોસ્પિટલમાં આ ઈન્જેક્શન ન હોવાથી આશ્ચર્ય સર્જાયું હતું.
આ ઉપરાંત વરણામા ગામના ઢોલ ફળિયામાં રહેતી એક વર્ષની પિયુ અલ્કેશભાઈ યાદવ ગઇ સાંજે ગામના રામ મંદીર ખાતે રમતી હતી ત્યારે તેના ઉપર કૂતરાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીના પેટમાં, પીઠ ઉપર અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.