સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ વિશાળ રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો
સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી : ૮૦૦ જેટલી સર્જરીઓ મોકૂફ રાખવી પડી
વડોદરા,કોલકાત્તામાં ડોક્ટર પર રેપ વિથ મર્ડરના કેસનો દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. આજે વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલ તથા તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ ઓ.પી.ડી. બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. સયાજી હોસ્પિટલથી કમાટીબાગ અને ત્યાંથી પરત સયાજી હોસ્પિટલ રેલી પરત ફરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા. પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર કરી ડોક્ટરોની સુરક્ષા માટે માંગણી કરી હતી.
કોલકાત્તાની આર.જી. મેડિકલ કોલેજમાં થયેલા રેપ વિથ મર્ડરના કેસના પગલે ડોક્ટરોની સુરક્ષા વધારવાની માંગણી કરવામાં આવી રહી છે. અવાર - નવાર ડોક્ટર્સ પર થતા હુમલા છતાં સરકાર દ્વારા તેઓને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી. તેના કારણે ડોક્ટરોમાં ભારે રોષ છે. આજે સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો ઉપરાંત શહેરના તમામ ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકના ડોક્ટરોએ પણ એક દિવસ ઓ.પી.ડી. બંધ રાખી હતી. આજે સવારથી જ સયાજી હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન શરૃ કરવામાં આવ્યું હતું. રેસિડેન્ટ ડોક્ટરો ઉપરાંત અન્ય વિભાગના ડોક્ટરોએ પણ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ફિઝિયોથેરાપિ, આયુર્વેદ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પણ જોડાયો હતો. આ ઉપરાંત લેબોરેટરીનો સ્ટાફ પણ સામેલ થયો હતો.આજરોજ ડોક્ટરોની વિશાળ રેલી યોજાઇ હતી. તેઓએ પ્લે કાર્ડ તથા સૂત્રોચ્ચાર કરી સરકારને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા.
આજે ડોક્ટરોની હડતાળના પગલે સરકારી હોસ્પિટલમાં અંદાજે ૧૦૦ તેમજ ખાનગી હોસ્પિટલમાં થનારી ૭૦૦ જેટલી સર્જરીઓ મોકૂફ રાખવી પડી હતી. તેમજ અંદાજે ૧૫ હજારથી વધુ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે, કેટલાક કિસ્સામાં ડોક્ટરોને સારવાર કરવી પડી હતી. આર.વી.દેસાઇ રોડ પર આવેલા ક્લિનિકમાં સવા બે વર્ષનું બાળક સારવાર માટે આવ્યું હતું. તેને ૧૦૪.૫ તાવ હતો. દવા આપ્યા પછી પણ તેને તાવ નહીં ઉતરતા ડોક્ટરને સારવાર કરવી પડી હતી. આ જ ક્લિનિકમાં છ મહિનાનું બાળક ચા ઢોળાવાથી દાઝી ગયું હતું. તેની પણ સારવાર કરી હતી. ડોક્ટરોએ પોતાની સુરક્ષાના મુદ્દે હડતાળ પાડી હતી પણ સાથે - સાથે ઇમરજન્સી સારવાર ચાલુ રાખી હતી.