સયાજી હોસ્પિટલમાં કાયમી પોલીસ ચોકી શરૃ કરવા માટે ડોક્ટરોની માંગણી
સિક્યુરિટી સ્ટાફ વધારવાની તેમજ ૨૪ કલાક માટે શી ટીમ તૈનાત રાખવાની પણ રજૂઆત
વડોદરા,સયાજી હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટરોની મુખ્ય માંગણી તેઓની સુરક્ષાને લઇને છે. તે માટે સયાજી હોસ્પિટલમાં જ એક પોલીસ ચોકી કાર્યરત કરવાની તેમજ ચોવીસ કલાક મહિલા ડોક્ટરોની સુરક્ષા માટે શી ટીમ તૈનાત કરવામાં આવે. જેના કારણે ડોક્ટરો ભય મુક્ત વાતાવરણમાં દર્દીઓની સારવાર કરી શકે.
બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આજે તેઓની માંગણી રજૂ કરવામાં આવી હતી. અલગ - અલગ ૭ મુદ્દાઓ દર્શાવી તેઓએ સરકારને આ માંગણીઓ પ્રત્યે ધ્યાન આપવા જણાવ્યું છે. તેઓની પ્રથમ માંગણી સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફની સંખ્યા ૧૧૨ થી વધારીને ૩૫૦ કરવાની છે. હોસ્પિટલના તંત્ર દ્વારા આ અંગે વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી હોવાછતાંય કોઇ કાર્યવાહી થઇ નથી. ૧,૫૧૩ બેડની સયાજી હોસ્પિટલમાં દર વર્ષે ૯ લાખ દર્દીઓની સારવાર થાય છે. પરંતુ, એક શિફ્ટમાં માત્ર ૩૨ સિક્યરિટી જવાનો ફરજ બજાવે છે. સયાજી હોસ્પિટલમાં ૫૦ જેટલા બ્લોક છે. તેવા સંજોગોમાં સિક્યુરિટી જવાનોની સંખ્યા વધારીને ૩૭૫ કરવી જોઇએ.
આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં એક પોલીસ ચોકી કાર્યરત કરવી જોઇએ. તેમજ મહિલા ડોક્ટરોની સુરક્ષા માટે ૨૪ કલાક શી ટીમ તૈનાત રહે. તેવી વ્યવસ્થા કરવી જોઇએ. હોસ્પિટલમાં ચારે તરફ લાઇટની વ્યવસ્થા કરવી જોઇએ. હાલમાં અપૂરતી લાઇટ વ્યવસ્થાના કારણે રાતે કેટલાક વિસ્તારમાં અંધાર પટ જેવો માહોલ હોય છે. તદુપરાંત સીસીટીવી કેટલાક સ્થળે કાર્યરત નથી તો કેટલાક સ્થળે તેની ફ્રિક્વન્સી ઓછી છે. જેના કારણે સીસીટીવી ફૂટેજ સ્પષ્ટ આવતા નથી. દર્દીઓની સાથે કેટલીક વખત મોટી સંખ્યામાં સગા સંબંધીઓ આવતા હોય છે અને તેઓ ડોક્ટરો સાથે ઘર્ષણમાં ઉતરતા હોય છે. આવી પરિસ્થિતિ ટાળવા માટે પાસ સિસ્ટમ અને ક્રાઉડ મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે થાય તેની સાવચેતી રાખવી જોઇએ.