ટ્રેનમાં ઊંઘી ગયેલા ડોક્ટરની રોકડ અને દાગીનાની ઉઠાંતરી

ભુજમાં સંબંધીને ત્યાં લગ્નમાં હાજરી આપી મુંબઇ જતા ડોક્ટરે કિંમતી સામાન ગુમાવ્યો

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
ટ્રેનમાં ઊંઘી ગયેલા ડોક્ટરની રોકડ અને દાગીનાની ઉઠાંતરી 1 - image

વડોદરા, તા.9 કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં મુંબઇ જતાં એક ડોક્ટરની ઊંઘનો લાભ ઉઠાવી પર્સમાં મૂકેલ રોકડ તેમજ સોનાના દાગીના કોઇ ગઠિયો ઉઠાવી ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે  મુંબઇના માટુંગા વિસ્તારમાં ચન્દ્રવરકરરોડ પર કૃષ્ણ નિવાસમાં રહેતા ડો.મયંક રમણીકલાલ શાહ સંબંધીના ઘેર લગ્ન હોવાથી મુંબઇથી ભુજ ગયા  હતાં. લગ્નમાં હાજરી આપ્યા બાદ મુંબઇ પરત જવા માટે તેમનું કચ્છ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં રિઝર્વેશન હોવાથી તેઓ ભુજ રેલવે સ્ટેશન પરથી તા.૭ની રાત્રે ટ્રેનમાં બેઠા હતાં.

ભચાઉ રેલવે સ્ટેશન પસાર થયા બાદ ડો.મયંક પોતાની પાસેની ત્રણ ટ્રોલીબેગ સીટ નીચે મૂકી  તેમજ હેન્ડબેગ માથા પાસે રાખી ઊંઘી ગયા હતાં. વહેલી સવારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવતાં તેઓ ઊંઘમાંથી જાગી ગયા ત્યારે માથા પાસે મૂકેલી બેગમાંથી રોકડ રૃા.૨૪ હજાર, પાંચ ગ્રામ સોનાની ચેન, ત્રણ ગ્રામ સોનાનું બ્રેસલેટ મળી કુલ રૃા.૭૭ હજારની મત્તા ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ અંગે ડો.મયંકે વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




Google NewsGoogle News