પુત્રીને પી.જી. મેડિકલમાં એડમિશન અપાવવા માટે ડોક્ટરે ૮૦ લાખ ગુમાવ્યા
ડોક્ટરે ૫૦ લાખ રોકડા, ૧૪ લાખ આંગડિયા મારફતે તેમજ ૧૬ લાખ બેન્કથી ટ્રાન્સફર કર્યા હતા
વડોદરા,ડો.ની પુત્રીને પી.જી. મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને મુંબઇની મહિલા તથા ઉદેપુરના બે ભેજાબાજોએ ૮૦ લાખ પડાવી લીધા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સિંધવાઇ માતા રોડની નંદીગ્રામ સોસાયટીમાં રહેતા ડો.રાજેશ માર્કંડભાઇ રાણેની રાવપુરા ટાવર પાસે સ્વર હોસ્પિટલ છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી નાની દીકરી શર્વરીએ વર્ષ ૨૦૨૦- ૨૦૨૧ માં ગોત્રી હોસ્પિટલમાંથી એમ.બી.બી.એસ. નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અમે પોસ્ટ ગ્રેજ્યુએટ માટે જુદી - જુદી કોલેજનો સંપર્ક કરતા હતા. તે દરમિયાન વર્ષ - ૨૦૨૨ માં અમારા ઓળખીતા ડો.શૈલેન્દ્ર સોલંકી ( રહે. જયપુર) થકી શુભાંગિનીબેન સંપત ( રહે. હૈદરાબાદ) સાથે સંપર્ક થયો હતો. શુભાંગિનીબેને અમને કહ્યું હતું કે, સિદ્ધાર્થભાઇ ગેહલોત ( રહે. ઉદેપુર) ની મદદથી અમે ભારતી વિદ્યાપીઠ પૂણે ખાતે મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં સંપૂર્ણ કાયદાકીય રીતે એડમિશન અપાવવાની કામગીરી કરીએ છીએ. તેઓ તમારી દીકરીનું એડમિશન કરાવી આપશે. તેઓ સાથે ફોન પર વાત થતા સિદ્ધાર્થ તથા તારાસીંગ અમારા ઘરે આવ્યા હતા. તેઓએ એડમિશન અપાવવાની ખાત્રી આપી અમારી પાસે એડમિશન ફી તથા પ્રોસેસ ફી પેટે ૫૦ લાખની માંગણી કરી હતી. મેં મારા પત્ની તથા ડો. રાજીવ પરાડકર અને ડો. અર્ચના પરાડકરની હાજરીમાં ૫૦ લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ વધારાની ફી તથા કોલેજની વાર્ષિક એડમિશન ફી પેટે મે - ૨૦૨૨ માં ૧૪ લાખની માંગણી કરતા મેં આંગડિયા પેઢી મારફતે તેઓના કહેવાથી મુંબઇ ખાતે દિશનેશભાઇ શિવગંજને મોકલાવ્યા હતા. ત્યારબાદ ૧૬ લાખ બેંકમાંથી ટ્રાન્સફર કર્યા હતા. અમે કુલ ૮૦ લાખ આપ્યા હતા. એડમિશન પ્રોસેસ તા. ૦૭ - ૦૫ - ૨૦૨૨ ના રોજ પૂર્ણ થવાની હતી. જેથી, અમે તેઓને પૂછતા તેઓએ કહ્યું હતું કે, કોલેજના રોલમાં નામ આવી ગયું છે. એડમિશન થઇ જશે. પરંતુ, એડમિશન કરાવી આપ્યું નહતું. ત્યારબાદ અમે રૃપિયા પરત માંગતા તેઓએ આપ્યા નહતા. મકરપુરા પોલીસે મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.