સ્માર્ટ મીટર અમને જોઇતા નથી અમારા જૂના મીટરો પાછા આપી દો
ગોરવામાં વીજ કંપનીની કચેરીએ ગયેલા રહીશોને કોઇ ના મળ્યું ઃ વિરોધની બીકે કચેરીને તાળા મારી દીધા
વડોદરા, તા.27 વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરને લઇને વિરોધ યથાવત છે. સ્માર્ટ મીટરને હટાવી જૂના મીટર લગાવવાની માંગણી લોકો કરી રહ્યા છે. આજે તાંદલજા વિસ્તારના રહીશોનો મોરચો કલેક્ટર કચેરી તેમજ એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યો હતો.
તાંદલજામાં આવેલ સંતોષનગર વિસ્તારના રહીશોએ આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. રહીશોએ અગાઉ અકોટા ખાતેની એમજીવીસીએલની સબ ડીવીઝન કચેરી ખાતે પણ ઉગ્ર રજૂઆતો સાથે સ્માર્ટ મીટર હટાવવાની માંગ કરી હતી. પણ કોઇ નિરાકરણ આવ્યું ન હતું. સંતોષનગરની એક મહિલાએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યારથી વધારે બીલ ચૂકવવું પડી રહ્યું છે. અમારા ઘરમાં ઘણા ખર્ચ છે, તેવામાં આટલા મોટા બીલ અમને પોષાય તેમ નથી. જેથી સ્માર્ટ મીટર જોઇતા નથી. અમને જૂના મીટર લગાવી આપો. અમારી માંગણી છે કે, અમારા જૂના મીટર પાછા આપો.
મહિલાઓએ કહ્યું હતું કે, અમે ઘણા દિવસથી રજૂઆતો કરીએ છીએ, પરંતુ અમારું કોઇ સાંભળતુ નથી. અમે રાત દિવસ મહેનત કરીને અમારે લાઇટ બીલો જ ભરવાના? અમે ખૂબ જ મુશ્કેલીમાં છીએ. સ્માર્ટ મીટરને લઇને ગોરવા વિસ્તારના રહીશો એમજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે દોડી જઇ સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે, અમને મળવાનો સમય આપ્યો હોવા છતાં અમને મળવાવાળું કોઇ નથી અને કચેરીને તાળી મારી દેવામાં આવેલા છે. અમારે સ્માર્ટ મીટર જોઇતા નથી.