વડોદરાથી ૧૧૦૦ કિલોના મહાકાય દીવાને અયોધ્યા મોકલવાની તૈયારી
વડોદરાઃ અયોધ્યામાં તા.૨૨ જાન્યુઆરીએ નવા બનેલા મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે.આ માટે વડોદરામાંથી રામભક્તો અને ગોપાલક સમાજના આગેવાનોએ બનાવેલી ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી તા.૩૧ ડિસેમ્બરે રવાના કરાશે.
તેની સાથે સાથે હવે વડોદરામાંથી ૧૧૦૦ કિલો વજનનો જંગી દીવો પણ અયોધ્યા મોકલવાની તૈયારી ચાલી રહી છે.ભાયલી ખાતે રહેતા રામ ભક્ત અરવિંદભાઈ પટેલે ૧૧૦૦ કિલોનો આ દીવો બનાવડાવ્યો છે.
તેમનુ કહેવુ છે કે, વડોદરામાંથી ૧૦૮ ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી રહી હોવાનુ જાણ્યા બાદ મને થયુ હતુ કે, સાથે સાથે આવો જ એક દીવો પણ ભગવાન રામના મંદિર માટે અયોધ્યા મોકલવો જોઈએ.એટલે યુધ્ધના ધોરણે દીવો બનાવવા માટેનુ કામ શરુ કરાવ્યુ હતુ.
મકરપુરા જીઆઈડીસીના એક કારખાનામાં ૧૦ જેટલા કારીગરોએ છેલ્લા ૧૨ દિવસમાં રોજ સતત ૨૪ કલાક કામ કરીને આ દીવો બનાવ્યો છે.સ્ટીલમાંથી બનેલા દીવા પર રંગ કરવામાં આવ્યો છે.તેનુ કુલ વજન ૧૧૦૦ કિલો થાય છે.
અરવિંદભાઈ કહે છે કે, દીવાની ઉંચાઈ સવા નવ ફૂટ અને પહોળાઈ આઠ ફૂટ જેટલી છે.તેની ઉંડાઈ એક ફૂટ રાખવામાં આવી છે.આ દીવામાં ૮૫૦ કિલો ઘી પૂરી શકાય છે.દીવાને પ્રગટાવવા માટે ચાર ફૂટની મશાલ અને ૧૫ કિલો રુની દિવેટ પણ તૈયાર કરાવી છે.એક વખત જો દીવાને પ્રગટાવવામાં આવે તો બે મહિના કરતા વધારે સમય સુધી તે પ્રકાશ આપતો રહે તેવુ અમારુ અનુમાન છે.દીવાની ઉપર ચઢવા માટે એક સીડીની પણ વ્યવસ્થા કરી છે.તેમના જણાવ્યા અનુસાર દીવાને ટ્રકમાં અયોધ્યા મોકલવાની યોજના છે.અયોધ્યામાં મંદિર તરફથી મંજૂરી પણ જરુરી છે અને આ માટે શહેર ભાજપ પ્રમુખ તેમજ સાંસદ સહિતના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.મંજૂરી મળશે તે પછી દીવાને અયોધ્યા રવાના કરવા માટેની તારીખ અમે જાહેર કરીશું.