નીટ પ્રકરણમાં દીક્ષિત પટેલ ઉપ સરપંચ પદેથી સસ્પેન્ડ

દીક્ષિત રતનપુર કાંટડીના ઉપસરપંચ હોવાની સાથે જલારામ સ્કૂલના ચેરમેન પણ છે

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
નીટ પ્રકરણમાં દીક્ષિત પટેલ ઉપ સરપંચ પદેથી સસ્પેન્ડ 1 - image

ગોધરા,ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રકરણમાં સંડોવાયેલા આરોપી અને જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલને રતનપુર (કાંટડી) ગામના ઉપસરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રકરણનો પર્દાફાશ થયા બાદ ગોધરા નજીક જય જલારામ સ્કૂલમાં ફાળવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં ચોરી થાય તે પૂર્વે જ સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે તપાસ કર્યા બાદ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપાતા શાળા સંચાલક દીક્ષિત પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. દીક્ષિત પટેલ રતનપુર (કાંટડી) ગામના ઉપસરપંચ હોવાથી તેઓને હોદ્દા પરથી દૂર કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગોધરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને દીક્ષિત પટેલને ઉપસરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવા દરખાસ્ત મોકલી હતી. પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. બારીયાએ ગુજરાત પંચાયત અધિનિયમ- ૧૯૯૩ ની કલમ-૫૯(૧) મુજબ દીક્ષિત પટેલ ગેરલાયક ઠરતાં હોવાથી રતનપુર (કાંટડી) ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગાઉ દીક્ષિત પટેલે સીબીઆઈ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. અરજી સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.

દીક્ષિત પટેલને ડેપ્યુટી સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવાના હુકમની બજવણી સંદર્ભે ગોધરા ટીડીઓને પૂછતાં તેમણે જણાવેલું કે દીક્ષિત પટેલ હાલ નીટ પરીક્ષા ચોરી પ્રકરણમાં સાબરમતી જેલમાં હોઈ તેમને હોદ્દા ઉપરથી દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીના તા.૧૩ ના હુકમની ગ્રામ પંચાયતના તલાટી દ્વારા તેમના નિવાસે જઈને સ્થળ ઉપર જવાબ પંચક્યાસ કરીને પરિવારને બજવણી કરવામાં આવશે.


Google NewsGoogle News