છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા એસટી ડિવિઝનની આવકમાં 22 લાખનો વધારો
વડોદરાઃ દિવાળીના કારણે વતન જવા અને બહારગામ જવા માટે થઈ રહેલો ધસારો વડોદરા એસટી ડિવિઝનને ફળી રહ્યો છે.દિવાળીના તહેવારો શરુ થતા જ એસટી ડેપો પર મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ, છોટાઉદેપુર, રાજકોટના રુટ પર લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.એસટી વિભાગ દ્વારા વધારાની બસો મૂકવામાં આવી હોવા છતા કેટલીક બસોમાં લોકોએ ઉભા ઉભા મુસાફરી કરવાનો પણ વારો આવી રહ્યો છે.
છેલ્લા ૩ દિવસમાં વડોદરા એસટી ડિવિઝનને ૨૨ લાખ રુપિયાની વધારાની આવક થઈ છે અને આ જ સ્થિતિ બીજા ત્રણેક દિવસ રહે તેવી શક્યતા છે.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને એસટી વિભાગે વડોદરા ડિવિઝનમાં તા.૭ નવેમ્બર સુધી વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે.એસટી વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, રોજ સરેરાશ ૪૦ લાખ રુપિયાની આવક થતી હોય છે પણ તા.૨૯,૩૦ અને ૩૧ ઓકટોબર દરમિયાન રોજની ૪૭ લાખ રુપિયાની આવક એસટીને થઈ છે.
છેલ્લા ત્રણ દિવસથી રોજ ૧૫૦૦૦ વધારે મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે.આ ત્રણ દિવસ દરમિયાન એસટીની વધારાની ૪૩૮ ટ્રીપો ગોઠવાઈ છે.એસટી બસોએ રોજ કરતા સરેરાશ ૩૮૦૦૦ કિલોમીટરની મુસાફરી વધારે કરી છે.આજનો દિવસ પડતર હોવાથી છેલ્લા ત્રણ દિવસ જેટલો ધસારો નથી પરંતુ આવતીકાલે, શનિવારે બેસતા વર્ષે અને રવિવારે ભાઈ બીજના દિવસે ફરી મુસાફરોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.